– હાઈકોર્ટે અરજદારની આગોતરા જામીન મંજૂર કરી
– બીએનએસની કલમ ૭૮ હેઠળ મહિલાની ઈચ્છા વિના વારંવાર વ્યક્તિગત સંપર્ક કરવો એ ગુનો
શિમલા: હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે કહ્યું કે, કોઈ મહિલાની તસવીર લેવી એ પીછો કરવાના ગુનાની વ્યાખ્યામાં આવતું નથી. ન્યાયાધીશ રાકેશ કૈથલે એક કેસની સુનાવણીમાં અરજદારને આગોતરા જામીન આપતા સ્પષ્ટ કર્યું કે કોઈ મહિલાની તસવીર લેવી એ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૮ હેઠળ કોઈ મહિલાનો પીછો કરવાના ગુના જેવો દંડનીય અપરાધ નથી. આ સાથે હાઈકોર્ટે આરોપીના આગોતરા જામીન મંજૂર કરી દીધા હતા. હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે કહ્યું કે, મહિલાએ અરુચીના સંકેત આપવા છતાં કોઈ વ્યક્તિ વારંવાર વ્યક્તિગત સંપર્ક વધારવા માટે તેનો સંપર્ક કરે અને મહિલાએ ઈન્ટરનેટ, ઈમેલ અથવા અન્ય પ્રકારન ાઈલેક્ટ્રોનિક સંચારના ઉપયોગના નિરીક્ષણનો આરોપ મૂક્યો હોય તો તે પીછો કરવા અંગેની ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૮ હેઠળ બિન જામીનપાત્ર ગુનો બને છે. પરંતુ માત્ર કોઈ મહિલાની તસવીર લેવી એ આ કલમ હેઠળ ગુનો ગણાય નહીં. વર્તમાન કિસ્સામાં કોઈની તસવીર લેવીએ પ્રથમ દૃષ્ટિએ પીછો કરવાના ગુનાની પરિભાષાને પૂરો કરતી નથી.
હાઈકોર્ટે કહ્યું કે, ફરિયાદમાં આરોપ એ નથી દર્શાવતા કે આરોપીએ ફરિયાદીનાં પત્નીનો પીછો કર્યો હતો અને વ્યક્તિગત સંપર્ક વધારવા માટે તેનો સંપર્ક કર્યો હતો. આરોપી પર એકમાત્ર આરોપ એ છે કે અરજદારે ફરિયાદીનાં પત્નીની તસવીરો લીધી હતી. હાઈકોર્ટે અરજદારને જામીન આપતા સ્વીકાર્યું કે સ્ટેટસ રિપોર્ટ પણ એ નથી દર્શાવતી કે અરજદારની ધરપકડ કરી પૂછપરછની જકૂર છે.