વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત એક સાથે ૧૯ દિવ્યાંગ ઉમેદવારોની કાયમી અધ્યાપકો તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓને દિવ્યાંગ કેટેગરીમાં અધ્યાપકોની ભરતી કરવા માટે આદેશ આપ્યો છે અને તેના આધારે વિવિધ ફેકલ્ટીઓમાં અધ્યાપકોની વિવિધ કેટેગરીની ૪૪ જગ્યાઓ પર ભરતી કરવા માટે સત્તાધીશોએ ગત મહિને અરજીઓ મંગાવી હતી.
દિવ્યાંગ ઉમેદવારો માટે એ, બી અને સી એમ ત્રણ કેટેગરી હોય છે.જેના આધારે ઉમેદવારોએ અરજી કરવાની હોય છે.લગભગ ૧૬૦ જેટલી અરજીઓ યુનિવર્સિટીને મળી હતી.જોકે તેમાંથી કેટલીક અરજીઓ દિવ્યાંગ નહીં પરંતુ સામાન્ય ઉમેદવારોની હોવાનું બહાર આવ્યું હતું અને તેને રદ કરવામાં આવી હતી.એ પછી ૭૦ જેટલા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે શોર્ટ લિસ્ટ કરાયા હતા.આ પૈકી પોલીટેકનિક, ટેકનોલોજી, સોશ્યલ વર્ક, આર્ટસ, એજ્યુકેશન, હોમસાયન્સ ફેકલ્ટીમાં ૧૯ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.જેને શુક્રવારે મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. સત્તાધીશોના કહેવા પ્રમાણે હજી ૨૩ બેઠકો ખાલી પડી છે અને તેના પર પસંદગી માટે આગામી દિવસોમાં ભરતીનો બીજો રાઉન્ડ હાથ ધરાશે.સાથે સાથે બિન શૈક્ષણિક કેટેગરીમાં પણ દિવ્યાંગ ઉમેદવારોની આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવાની યોજના છે.