પીડિતો ખડગપુરના પૃથ્વીનાથ મંદિર જઇ રહ્યાં હતાં
કારમાં ડ્રાઇવર સહિત ૧૫ લોકો સવાર હતાં : અન્ય ચાર લોકો ઘાયલ : મૃતકોમાં ૬ મહિલાઓ, બે પુરુષો-ત્રણ બાળકો સામેલ
મૃતકોના પરિવારજનો માટે વડાપ્રધાન મોદીએ બે લાખ જ્યારે મુખ્યપ્રધાન યોગીએ પાંચ લાખના વળતરની જાહેરાત કરી
ગોંડા (ઉ.પ્ર.) : ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં રવિવારે એક એસયુવી સરયુ નહેરમાં ખાબકતા એક જ પરિવારના ૯ સભ્યો સહિત ૧૧ લોકોનાં મોત થયા છે અને અન્ય ચાર લોકો ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.
ઇતિયાથોક પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) કૃષ્ણ ગોપાલ રાયે જણાવ્યું હતું કે અકસ્માત બેલવા બહુતા પાસે થયો હતો. પીડિતો સિહાગાંવ ગામથી ખડગપુરના પૃથ્વીનાથ મંદિરમાં પ્રાર્થના કરવા જઇ રહ્યાં હતાં.
રાયના જણાવ્યા અનુસાર વાહનમાં ડ્રાઇવર સહિત ૧૫ લોકો સવાર હતાં. ગામના લોકોની મદદથી બચાવ ટીંમના સભ્યોએ વાહનમાંથી ૧૧ મૃતદેહો બહાર કાઢયા હતાં.
સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ વિનીત જયસ્વાલે જણાવ્યું હતું કે મૃતકોમાં છ મહિલાઓ, બે પુરુષો અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને મૃતકોના પરિવારજનો માટે પીએમના નેશનલ રિલીફ ફંડમાંથી બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. ઘાયલોનેે ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
સિહાગાંવના રહેવાસી પ્રહલાદના પરિવારજનો અને પાડોશીઓ મંદિર જઇ રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં એક જ પરિવારના ૯ સભ્યો હતાં.
પ્રહલાદના પુત્ર સત્યમ, અન્ય દીકરી પિંકી, પાડોશી રામ લલન વર્મા અને ડ્રાઇવર સિતારમણ ઘાયલ થયા છે અને તેમની સ્થાનિક કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર ચાલી રહી છે.
અકસ્માતમાં બચી ગેયલી એક કિશોરીએ જણાવ્યું હતું કે અમે પૃથ્વીનાથ મંદિરના દર્શન માટે જઇ રહ્યાં હતાં. અકસ્માત સમયે અમે બધા ભજનો ગાઇ રહ્યાં હતાં.
મુખ્યપ્રધાન યોગી આદિત્ય નાથે પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે અને મૃતકોના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.
અકસ્માતના સાક્ષી અને ઇતિયાથોકના રહેવાસી રાહુલ વર્માના જણાવ્યા અનુસાર સવારે વરસાદને કારણે રોડ લપસણો થઇ ગયો હતો.