અમદાવાદ : ભારત શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. ભારતીય ચા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ ભારતે ૨૦૨૪માં ૨૫.૫ કરોડ કિલો ચાની નિકાસ કરી હતી. જોકે વિશ્વના ટોચના નિકાસકારોમાં કેન્યાએ તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે અને ભારતનો હિસ્સો કુલ વૈશ્વિક નિકાસમાં ૧૦ ટકા આસપાસ રહ્યો છે.
૨૦૨૪માં ભારતની ચાની નિકાસ ૨૫.૫ કરોડ કિલોગ્રામ સુધી પહોંચી છે, જે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ છે. ૨૦૨૩ની ૨૩.૧૭ કરોડ કિગ્રાની સરખામણીએ ગત વર્ષે નિકાસ ૧૦ ટકા વધી છે.
૨૦૨૪માં ચાની નિકાસમાંથી ભારતને રૂ. ૭૧૧૧ કરોડની આવક થઈ છે, જે ૨૦૨૩માં રૂ. ૬૧૬૧ કરોડ હતી. આ વૃદ્ધિનું એક મુખ્ય કારણ ઇરાક જેવા દેશોમાં ચાની નિકાસમાં મોટો વધારો હતો, જે ભારતની ચાની નિકાસમાં ૨૦ ટકા હિસ્સો ધરાવે છે.
ઇરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, યુએસએ અને યુકે સહિતના ટોચના બજારો સાથે ભારત હવે ૨૫થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે.
ભારતની આસામ, દાર્જિલિંગ અને નીલગિરી ચાને વિશ્વની શ્રેષ્ઠ ચામાં ગણવામાં આવે છે. મોટાભાગની ભારતીય ચા ‘બ્લેક ટી’ તરીકે નિકાસ કરવામાં આવે છે જે કુલ નિકાસના લગભગ ૯૬ ટકા હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ગ્રીન ટી, હર્બલ ટી, મસાલા ટી અને લેમન ટી પણ નિકાસ થાય છે.
ભારતના નાના ચા ઉત્પાદકો પણ ચા ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ નાના ૨.૩૦ લાખ ચા ઉત્પાદકો કુલ ઉત્પાદનમાં લગભગ ૫૨ ટકા ફાળો આપે છે. ભારતીય ચા ઉદ્યોગ અંદાજે ૧૧.૬ લાખ લોકોને સીધી રીતે રોજગારી આપે છે.