– વિવિધ સમિતિઓની રચના કરી ચેરમેનોની બિનહરીફ વરણી કરાઈ
– ખાનગી સોસાયટીમાં પ્રાથમિક સુવિધા ઉભી કરવાનો જવાબદારી બિલ્ડરના માથે, ગ્રાંટ વાપરવાની સત્તા ન હોવાનું અધ્યક્ષ-ચીફ ઓફિસરનું રટણ
સિહોર : સિહોર નગરપાલિકાની સામાન્ય સભામાં ખાનગી સોસાયટીમાં પાણી, ગટર, રસ્તા સહિતના પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો ગુંજ્યાં હતા. જેમાં અધ્યક્ષ અને ચીફ ઓફિસરે આ સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી બિલ્ડરની હોવાના નિયમનું રટણ કરી વિરોધ દર્શાવનાર સભ્યોની બોલતી બંધ કરાવી દીધી હતી.
સિહોર પાલિકાના સભાખંડમાં આજે સવારે ૧૧ કલાકે જનરલ સભા મળી હતી. જેમાં કારોબારી, ટી.પી., વોટર વર્કસ, પાણી પુરવઠા, બાંધકામ, આરોગ્ય સહિતની સમિતિની રચના કરી તમામ સમિતિઓના ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ હતી. આ સભામાં પ્રશ્નોતરી કાળ ન હોવા છતાં ખાનગી સોસાયટીઓમાં પાણી, ગટરની લાઈન, રસ્તા, સ્ટ્રીટલાઈટ સહિતની સુવિધાઓનો અભાવ હોવાનો પ્રશ્ન ઉઠાવી વિરોધ દર્શાવ્યો હતો. જેના જવાબમાં અધ્યક્ષ અને ચીફ ઓફિસરે સરકારી નિયમ પ્રમાણે સોસાયટી પાડનાર બિલ્ડરોને રોડ-રસ્તા, પાણી-ગટર લાઈન, સ્ટ્રીટલાઈટની સુવિધા ઉભી કર્યા બાદ કોમન પ્લોટ સાથે પાલિકાના ચોપટે ચડાવવાની હોય છે. પરંતુ સિહોરમાં અનેક ખાનગી સોસાયટીને ચોપડે ચડાવવામાં જ આવી નથી. સરકારમાંથી આવતી ગ્રાંટો શહેરના વિકાસ પાછળ વાપરવાની હોય છે. સરકારી ચોપડે ન ચડેલી આવી ખાનગી સોસાયટીમાં કોઈપણ કામ પાછળ એક રૂપિયાની ગ્રાન્ટ વાપરવાની સત્તા નથી. નવા આદેશ પ્રમાણે લોકભાગીદારીથી કોઈ કામ થઈ શકે, પરંતુ જો રહિશો દ્વારા નિયત રૂપિયા ભરવામાં ન આવે તો નગરપાલિકા આવા કામો કરાવવા બંધાયેલી ન હોવાનું સ્પષ્ટ કરતા કેટલાક સભ્યોની બોલતી બંધ થઈ ગઈ હતી.
વધુમાં સિહોર પાલિકા પાસે ત્રણથી ચાર કરોડની ગ્રાંટ છે. જે ગ્રાંટમાંથી આગામી ટૂંક સમયમાં સિહોરમાં જુદા-જુદા વિકાસ કાર્યો થશે. આ ગ્રાંટમાંથી એક પણ ફદિયું ખાનગી સોસાયટીના ગેરકાયદે કામો પાછળ વાપરવામાં નહીં આવે તેમ અધ્યક્ષે જણાવ્યું હતું.