Jamnagar Temple Theft Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં શ્રાવણ માસ દરમિયાન તસ્કરોના પરોણાં થયા હતા, અને એકીસાથે ત્રણ ત્રણ મંદિરોને નિશાન બનાવી લઈ અંદર રહેલી દાન પેટીમાંથી રૂપિયા 44,650 થી વધુની રકમની ચોરી કરીને લઈ ગયાનું પોલીસમાં જાહેર થયું છે.
કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ભીખાભાઈ બાબુભાઈ ગોલતર (31) અને અન્ય ગ્રામજનો મકાજી મેઘપર ગામમાં આવેલા વાછરા દાદા નામંદિર ઉપરાંત મચ્છુ માતાના મંદિર તેમજ મેલડી માતાજીના મંદિરમાં સેવા પૂજા કરે છે. જે ત્રણેય મંદિરોને ગત 1 ઓગસ્ટની રાત્રીથી 2 તારીખના વહેલી સવાર સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધા હતાં. જેમાં તસ્કરોએ સૌ પ્રથમ વાછરા દાદાના મંદિરમાં પ્રવેશ કરી લઈ દાનપેટીનું તાળું તોડી તેમાં રહેલી અંદાજે 30,000ની રોકડ રકમ અને 1 સોનાનો પારો ઉઠાવી ગયા હતા. જેની કિંમત 12,000 રૂપિયા ગણાય છે.
આ ઉપરાંત બાજુમાં જ આવેલાં મચ્છુ માતાજીના મંદિરમાં માતાજીની મૂર્તિ પાસે રાખવામાં આવેલી પરચુરણ રકમ તેમજ મેલડી માતાજીના મંદિરમાં રહેલી દાન પેટીમાંથી 2,500 થી વધુની રકમ મળી કુલ 44,650 ની માલમતા ઉઠાવી ગયાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવતા ગ્રામ્ય વિભાગના પીએસઆઈ ડી.બી.રાંકજા તેઓની ટીમ સાથે બનાવના સ્થળે પહોંચી ગયા છે, અને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.