Morbi News : ચોટિલાના દેવસર ગામમાં ધોરણ 4માં અભ્યાસ કરતાં બાળકને ઠેસ વાગતા હાથના ભાગે ઈજા પહોંચી હતી. આ પછી પરિવાર દ્વારા બાળકને વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાળકે હાથમાં ફેક્ચર થયું હોવાથી ઓપરેશન કરાવવાનું હતું. જેમાં બાળક હોસ્પિટલના ઓપરેશન રૂમમાં ચાલીને તો ગયો, પરંતુ ડૉક્ટરે એનેસ્થેસિયા આપ્યા બાદ બાળક જાગ્યો ન હતો અને બાળકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે ડૉક્ટરની બેદરકારીથી બાળકનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.
ધો.4માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું મોત
મળતી માહિતી મુજબ, ચોટીલાના દેવસરની સરકારી શાળામાં ધો.4માં અભ્યાસ કરતો વનરાજ મસેરીયા નામનો વિદ્યાર્થી બપોરે રિસેસના સમયે ઘરે જવા નીકળ્યો હતો, જ્યાં રસ્તામાં ઠેસ વાગતા પડી ગયો હતો. જેથી વનરાજને હાથના ભાગે ઈજા પહોંચી હતી. આ પછી પરિવાર બાળકને હરી ઓમ ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: સુરત હિટ એન્ડ રનઃ ટેમ્પોચાલકે માતા સામે જ દીકરાને કચડ્યો, બે વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત
સમગ્ર મામલે પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા હતા કે, બાળકને હાથના ભાગે ફેક્ચર થયું હતુ. જેથી હોસ્પિટલમાં ઓપરેશન માટે બાળકને લઈને ગયા હતા. જેમાં ડૉક્ટરે બાળકને એનેસ્થેસિયા આપ્યું હતું અને બાળક બેભાન થયાં બાદ ઉઠ્યું ન હતું. ડૉક્ટરની બેદરકારીથી બાળકનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આ બનાવને લઈને વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.