– આરોપીએ રૂા. 50 હજાર વળતર પેટે ચૂકવવા આદેશ
– વડીલોપાર્જિત જમીનમાં ઝાડ જોવા ગયા ત્યારે જમીન તમારી નથી કહી ધારિયું માર્યું હતું
કપડવંજ : કઠલાલના બદરપુર ગામમાં ૨૦૧૬માં વડીલોપાર્જિત જમીનના શેઢે ઝાડ જોઈ રહેલા વ્યક્તિને જમીન અમારી છે તેમ કહી માથામાં ધારિયું માર્યું હતું. આ અંગેનો કેસ કઠલાલ કોર્ટમાં ચાલી જતા આરોપીને ૩ વર્ષની કેદની સજાનો હુકમ કરાયો છે. આરોપીએ ફરિયાદીને ૫૦ હજાર વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
કઠલાલ તાલુકાના બદરપુર ગામની સીમમાં તા. ૨૬/૧/૨૦૧૬ના રોજ અરવિંદભાઈ બાબુભાઈ પટેલ વડીલોપાર્જિત સર્વે નં. ૧૫૪-૨વાળી જમીનમાં શેઢે આવેલા ઝાડ જોતા હતા. ત્યારે ધનજીભાઈ આતાભાઈ ચૌહાણ હાથમાં ધારિયું લઈ આવી કેમ ખેતરમાં આવ્યા છો, જમીન તમારી નથી કહી અરવિંદભાઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા. અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈને ધનજીભાઈએ અરવિંદભાઈને ધારિયું આંખ ઉપર કપાળમાં માર્યું હતું.
જ્યારે રમેશભાઈ ધનજીભાઈ ચૌહાણે લાકડી મારી હતી. બાદમાં પિતા- પુત્ર જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ અંગે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં કઠલાલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાયું હતું. આ કેસ કઠલાલ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એમ. એસ. લોહિયાની કોર્ટમાં ચાલી જતા આરોપી ધનજીભાઈ આતાભાઈ ચૌહાણ રહે. બદરપુરવાળાને તકસીરવાન ઠરાવી ૩ વર્ષ સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદી અરવિંદભાઈ પટેલને આરોપી ધનજીભાઈએ રૂા. ૫૦ હજાર વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે.