Trump Warns 250% Tariff On Pharma Products: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ અને પેનલ્ટી લાદ્યા બાદ તેમાં સતત વધારો કરવાની ધમકી આપી રહ્યા છે. તેમણે હવે ભારતના ફાર્મા સેક્ટરને ટાર્ગેટ કરતાં તેના પર 50-100 ટકા નહીં, પરંતુ 250 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે. જેની સીધી અસર આ સેક્ટર સાથે જોડાયેલી ભારતીય કંપનીઓ પર થવાની ભીતિ છે.
ભારતીય ફાર્મા સેક્ટરનું સૌથી મોટુ માર્કેટ ગણાતા અમેરિકા દ્વારા આ ટેરિફ લાદવામાં આવે તો મોટું નુકસાન થવાની ભીતિ વચ્ચે આજે શેરબજારમાં ફાર્મા શેર્સ કડડભૂસ થયા હતાં. વિવિધ ફાર્મા કંપનીઓના શેરમાં 10 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો.
વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે કરી જાહેરાત
ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં અમેરિકામાં થતી ફાર્મા આયાત પર ઊંચો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, હાલ તબક્કાવાર ટેરિફ લાગુ કરવામાં આવશે. પહેલાં ફાર્મા સેક્ટર પર ઓછો ટેરિફ લાદવામાં આશે. બાદમાં 18 મહિનામાં સીધો 150 ટકા સુધી વધારો થશે. ત્યારબાદ તેમાં 250 ટકા સુધી વધારો કરવામાં આવશે. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લીધું છે.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પ હવે બિહારના ‘રહેવાસી’? ડોમિસાઈલ સર્ટીફિકેટ માટે અરજી મળતાં તંત્ર ચોંક્યું
ફાર્મા સેક્ટરનો સૌથી મોટો આયાતકાર USA
અમેરિકા દવાઓ અને અન્ય ફાર્મા પ્રોડક્ટ્સનો મોટો આયાતકાર છે. ગયા વર્ષે 2024માં, આ ક્ષેત્રમાં અમેરિકન આયાત 234 અબજ ડોલરે પહોંચી હતી. અમેરિકાના સૌથી મોટા સપ્લાયર્સમાં આયર્લેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, જર્મની, ઇટાલી, ચીન, બ્રિટન, જાપાન અને ભારતનો સમાવેશ થાય છે. ગયા વર્ષે, ભારતમાંથી આયાત કુલ યુએસ આયાતના 6 ટકા રહી હતી, જેનું મૂલ્ય 13 અબજ ડોલરથી વધુ હતું. ભારત તેની ફાર્મા પ્રોડક્ટ્સનો સૌથી મોટો હિસ્સો અમેરિકામાં નિકાસ કરે છે. ખાસ કરીને ત્યાં ભારતની જેનેરિક દવાઓની જોરદાર માંગ છે. આવી સ્થિતિમાં, ટ્રમ્પનો ટેરિફ આ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ફાર્મા કંપનીઓના નફામાં ઘટાડો થવાની ભીતિ સાથે આજે શેરબજારમાં વિવિધ ફાર્મા કંપનીઓના શેર તૂટ્યા હતાં.