– મજૂર વિશ્વનો સૌથી ધનવાન વ્યક્તિ બન્યો !
– ખાતામાં અગણિત રકમ હોવાના લીધે ખાતુ ફ્રીઝ થતાં શ્રમિક કુટુંબ મુશ્કેલીમાં મૂકાયું
જમુઈ(બિહાર) : બિહારના જમુઈમાં કામ કરતાં એક પ્લમ્બરના ખાતામાં અબજોના અબજો રૂપિયા જમા થઈ જવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જો કે આમ છતાં બેન્કે તેનું ખાતુ સ્થગિત કરી દેતા તે પોતાના પિતાની સારવાર પણ કરાવી શકતો નથી તેવી તેની સ્થિતિ છે.આમ દહાડિયો મજૂર બેન્ક બેલેન્સની રીતે વિશ્વના સૌથી ધનવાન ઇલોન મસ્કને પણ પાછળ છોડી દીધો છે.
બેન્કની આ ભૂલના કારણે શ્રમિક કુટુંબ હેરાનપરેશાન થઈ ગયું છે. પ્લમ્બરનું કામ કરતાં દહાડિયા મજૂરના ખાતામાં ૩૭ શૂન્ય મૂકાય તેટલી રકમ જમા થઈ ગઈ, જે અબજોની અબજો રૂપિયા રકમ કહેવાય. તેના પછી પણ આ શ્રમિક તેના પિતાની સારવાર માટે હજાર રૂપિયા ન મોકલી શક્યો, કારણ કે બેન્કે તેનું ખાતુ ફ્રીઝ કરી દીધું છે.
આ આખી વાત બિહારના જમુઈ જિલ્લાના અચહરી ગામની છે. આ ગામના રહેતા ટેની માંજીના બેન્ક ખાતામાં આ રકમ દેખાઈ રહી છે. ટેની માંજી રાજસ્થાનના જયપુરમાં મજૂરી કરે છે. તેના બેન્ક ખાતામાં દેખાતી આ રકમનો સ્ક્રીન શોટ જોઈને લોકો આશ્ચર્મમાં ગરકાવ થઈ ગયા છે. પહેલા મુંબઈ અને પછી જયપુરમાં પ્લમ્બરનું કામ કરતાં ટેનીના ખાતામાં દેખાતી રકમ ગણવી પણ મુશ્કેલ છે. આ રકમ ક્યાંથી આવી તેની કશી ખબર પડી નથી. ટેનીના ખાતાનું બેલેન્સ હાલમાં ૧૦,૦૧,૩૫,૬૦,૦૦,૦૦,૦૦,૦૦,૨૩,૫૬,૦૦,૦૦,૦૦,૨૮,૮૮૪ દેખાડે છે. ટેની મુંબઈમાં કામ કરતો હતો ત્યારે તેણે મુંબઈની મહિન્દ્રા બેન્કમાં ખાતુ ખોલાવ્યું હતું.
ટેનીના ખાતાના બેન્ક બેલેન્સનો સ્ક્રીનશોટ ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે, પણ આના લીધે આખુ ખાતુ ફ્રીઝ થતાં કુટુંબ પરેશાન થઈ ઉઠયું છે. તેના પિતા કાલેશ્વર માંજી પણ મજૂરી કરે છે. તેમના પિતાએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર ભણેલો ન હોવાથી જણાવી શકે તેમ નથી કે આ રકમ કેટલી છે.