સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો : વર્ષ- 2019માં ગોરખમઢી ગામના યુવકને ઘરે બોલાવીને બેફામ માર મારવાનાં પ્રકરણમાં બન્ને રાજકીય આગેવાન સહિત 4 આરોપીઓ કસુરવાર ઠર્યા
વેરાવળ, : ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્ય અને સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ સહિત ચાર શખ્સોને સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા અઢી વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તેઓ વર્ષ- 2019માં ગોરખમઢી ગામના યુવકને ઘરે બોલાવીને બેફામ માર મારવાનાં પ્રકરણમાં બન્ને રાજકીય આગેવાન સહિત 4 આરોપીઓ કસુરવાર ઠર્યા છે.
ચકચારી કેસની વિગત મુજબ, વર્ષ 2019માં સુત્રાપાડા તાલુકાનાં ગોરખમઢી ગામે રહેતા રાજુભાઈ રમણીકભાઈ સુચકને ગોરખમઢી ગામના વતની એવા હાલના ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્ય બાબુભાઈ રામભાઇ પરમારે ઘરે બોલાવ્યા હતા. બાદમાં તેમની સાથે નવાગામ ગ્રામ પંચાયતના સરપંચ અને અત્યારે સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ લખમણભાઇ બામણીયા તેમજ કિશનભાઈ નારણભાઇ વાઢેર, બચુભાઈ ભગવાનભાઇ વાઢેર એમ 4 લોકોએ મળીને રાજુભાઈ સુચકને ગાળો આપી લાકડી, બેટ અને ઢિક્કાપાટુ દ્વારા ઢોરમાર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં પ્રથમ સુત્રાપાડા સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં હાથ-પગ સહિત ગંભીર ઇજાઓ થયાનું જણાયું હતું. જેથી આ મામલે બન્ને રાજકીય આગેવાનો સહિત ચારેય લોકો વિરૂધ્ધ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આધાર-પુરાવાઓને ધ્યાને લઈ આરોપી ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્ય બાબુભાઈ રામભાઈ પરમાર, સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ લખમણભાઈ બાંભણીયા તથા કિશનભાઈ નારણભાઈ વાઢેર, બચુભાઈ ભગવાનભાઈ વાઢેરને ક્રિ.પ્રો. કોડની કલમ- 248(2) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ 323, સાથે ભારતીય દંડ સંહિતાની કલમ 11 મુજબ ગુનાના કામે તકસીરવાન ઠરાવી છ માસની સાદી કેદની સજા અને રૂ.1,000 દંડ તથા ક્રિ.પ્રો.કોડની કલમ- 248(2) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ 325, સાથે ભારતીય દંડ સંહિતાની કલમ 114 મુજબ તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા અને આરોપી દીઠ રૂ. 5,000 દંડ ફટકાર્યો છે.