Saif Ali Khan Attacker News : બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપી શરીફુલ ઇસ્લામ શહજાદે મુંબઈ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે તેણે કોઈ ગુનો કર્યો નથી. જામીન અરજીમાં તેણે દાવો કર્યો મારા પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે અને મને ફસાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. ઇસ્લામના વકીલે કહ્યું કે તેમના અસીલ સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો છે. તે ક્યારેય કોઈ ગુનામાં સંડોવાયેલો નથી.
શરીફુલના વકીલે શું કહ્યું જામીન અરજીમાં
શરીફુલના વકીલનું કહેવું છે કે શરીફુલ ઇસ્લામે અત્યાર સુધી તપાસમાં સહકાર આપ્યો છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તપાસ ટીમે સીસીટીવી ફૂટેજ અને કોલ રેકોર્ડિંગ સહિત તમામ પુરાવા એકત્રિત કર્યા છે. આવી સ્થિતિમાં, આરોપી પુરાવા સાથે છેડછાડ કરે તેવી કોઈ શક્યતા નથી. ઇસ્લામ પર 16 જાન્યુઆરીની રાત્રે લૂંટના ઇરાદાથી સૈફ અલી ખાનના ઘરમાં પ્રવેશવાનો આરોપ છે. તેણે સૈફ અલી ખાન અને તેની નોકરાણી ગીતા પર હુમલો કર્યો હતો. એવો આરોપ છે કે ઇસ્લામે લાકડી અને હેક્સા બ્લેડથી હુમલો કર્યો હતો.
સૈફ અલી ખાનને થઇ હતી ઈજાઓ…
આ ઘટના બાદ સૈફ અલી ખાનને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું અને તેના શરીર પર અનેક ઘા પડી ગયા હતા. ત્યારપછી સર્જરી કરવાની નોબત આવી હતી. સૈફ અલી ખાનના સ્ટાફ સભ્ય અલીમા ફિલિપ સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહ્યો છે. જ્યારે શરીફુલની જામીન અરજીમાં કહેવામાં આવ્યું છે કે સજા સંભળાવવામાં આવે તે પહેલાં જ ઇસ્લામને આ રીતે સજા આપવાથી કોઈ હેતુ પૂરો થતો નથી. બાંદ્રા પોલીસે હજુ સુધી આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી નથી. કોર્ટ ટૂંક સમયમાં ઇસ્લામની જામીન અરજી પર સુનાવણી કરી શકે છે.