– યુવતીને નશીલો પદાર્થ પીવડાવી ગેંગરેપ કર્યો
– પીડિતા 29 માર્ચથી ગુમ હતી, ચાર એપ્રીલે ઘરે પરત ફરી માતાને આપવીતી વર્ણવી, તમામ આરોપી સામે એફઆઇઆર
વારાણસી : ઉત્તર પ્રદેશના વારાણસીમાં મહિલા પર અત્યાચારની જઘન્ય ઘટના સામે આવી છે. અહીંયા એક યુવતી પર ૨૩ નરાધમોએ સાત દિવસ સુધી ગેંગરેપ કર્યો હતો. યુવતીને નશામાં રાખીને અલગ અલગ જગ્યાએ લઇ જઇને આ કૃત્ય આચર્યું હતું. પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે ૨૩ સામે ફરિયાદ દાખલ કરી છે અને છની ધરપકડ કરી છે.
ડીસીપી ચંદ્રકાંત મીણાએ કહ્યું હતું કે કુલ ૨૩ આરોપીઓમાંથી ૧૧ અજ્ઞાાત છે જ્યારે ૧૨ની ઓળખ કરી લેવામાં આવી છે. છ ઝડપાયા છે જ્યારે અન્યોની શોધખોળ ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત ૨૯ માર્ચ ૨૦૨૫ના રોજ થઇ હતી, પીડિત યુવતી પોતાની મિત્ર રિયાના ઘરેથી પરત ફરી રહી હતી ત્યારે તેને રાજ વિશ્વકર્મા નામનો યુવક મળ્યો હતો. રાજ યુવતીને એક સ્થળે લઇ ગયો અને ત્યાં તેના પર રેપ કર્યો.
બીજા દિવસે સમીર નામનો યુવક પોતાના મિત્ર સાથે બાઇક પર આવીને યુવતીને ઉઠાવી ગયો હતો, બાદમાં રસ્તામાં રેપ કર્યો હતો, બાદમાં ૩૧મી માર્ચના રોજ આયુષ પોતાના પાંચ મિત્રો સોહેલ, દાનિશ, અનમોલ, સાજિદ, જાહિર સાથે આવ્યો હતો અને યુવતીને એક કેફેમાં લઇ જઇને ત્યાં નશો કરાવ્યો બાદમાં તેના પર રેપ ગુઝાર્યો. બાદમાં આરોપીઓએ બીજા દિવસે પણ યુવતીને જુદા જુદા સ્થળે લઇ જઇને તેના પર ગેંગરેપ કર્યો હતો. યુવતી ચાર એપ્રીલના રોજ ઘરે પહોંચી હતી અને પોતાની માતાને આપવીતી વર્ણવી હતી. માતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.