Baroda News : વડોદરાના શિનોર તાલુકાના અવાખલ ગામે ઝેરી સાપ નીકળતા પ્રાણી ફાઉન્ડેશનના અશોક પટેલ સાપને રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યા હતા. તેમણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધુ હતું, પરંતુ આ દરમિયાન ચૂક થતાં સાપે રેસ્ક્યુઅરના હાથ પર દંશ માર્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેમને સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ટૂંકી સારવારમાં અશોક પટેલનું મોત નીપજ્યું હતું. જેમાં સમયસર સારવાર ન મળી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ કર્યો છે.
મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લામાં લગભગ 2000થી વધુ સાપ, મગર અને અન્ય ઝેરી જીવોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરનાર અશોક પટેલને સાપ દંશ મારતા મોત નીપજ્યું છે. ગત 4 ઓગસ્ટના રોજ સાધલી સ્કૂલમાં રેસ્ક્યુઅર અશોકભાઈએ સાપનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ સાંજના પોતાના ગામ અવાખલમાં સાપનું રેસ્ક્યુ કરતી વખતે અશોકભાઈને સાપે દંશ માર્યો હતો.
આ પણ વાંચો: રાજકોટમાંથી ઝડપાયા હાઈટેક ગંજીપાના: કોણ જીતશે તેની પહેલેથી ખબર પડી જાય છે, લેન્સથી હરીફના પત્તા જોઈ શકાય
રેસ્ક્યુઅર અશોકભાઈએ હોસ્પિટલ જતાં પહેલા એક વીડિયો બનાવીને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. જ્યારે રેસ્ક્યુઅરને હોસ્પિટલમાં સારવાર દરમિયાન સમયસર ઓક્સિજન અને પૂરતી તબીબી સેવા ન મળવાથી મૃત્યું નીપજ્યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે.