PM E-Drive Scheme Extended: કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવા શરુ કરેલી પીએમ ઈ-ડ્રાઇવ સ્કીમની સમય મર્યાદા લંબાવી છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે પીએમ ઈ-ડ્રાઇવ રિવોલ્યુશન ઇન ઇનોવેટિવ વ્હિકલ એન્હાન્સમેન્ટ (PM E-Drive) સ્કીમ વધુ બે વર્ષ સુધી લંબાવી છે. જેની નવી સમય મર્યાદા 31 માર્ચ, 2028 છે. જો કે, આ સ્કીમ હેઠળ ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સ અને થ્રી વ્હિલર્સ માટે અપાતી સબસિડીમાં સમય મર્યાદા લંબાવવામાં આવી નથી. તેના પર મળતી સબસિડી 31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થઈ જશે. જ્યારે આ એક્સ્ટેન્શનનો લાભ માત્ર ઈલેક્ટ્રિક બસો, ટ્રકો અને એમ્બ્યુલન્સને મળશે. ભારે કેટેગરીના ઈ-વાહનો પર માર્ચ, 2028 સુધી સબસિડી મળશે.
સરકારે 1 ઑક્ટોબર, 2024ના રોજ PM E-Drive સ્કીમ શરુ કરી હતી. રૂ. 10900 કરોડની આ સ્કીમનો લાભ આગામી માર્ચ, 2026 સુધી મળવાનો હતો. જે લંબાવી હવે માર્ચ, 2028 કરવામાં આવ્યો છે. જેનો સીધો લાભ ઈલેક્ટ્રિક વાહનો ખરીદતાં લોકોને થશે. PM E-Drive સ્કીમ ઈ વાહનોની ખરીદીમાં વધારો કરે છે. જે ગ્રાહકોને સબસિડી આપવા ઉપરાંત પબ્લિક ચાર્જિંગ ઇન્ફ્રા, ટેસ્ટિંગ ફેસિલિટી, અને ઈલેક્ટ્રિક વ્હિકલ ટૅક્નોલૉજીને પ્રોત્સાહન આપે છે.
7 ઑગસ્ટના રોજ જારી કરાયેલા મંત્રાલયના જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે આ યોજના ઈલેક્ટ્રિક વાહનો અપનાવવા, ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવા અને સ્થાનિક EV ઉત્પાદનના વિકાસને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે. એપ્રિલથી સપ્ટેમ્બર 2024 સુધી અમલમાં રહેલી ઈલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 2024(EMPS-2024)ને પણ PM ઈ-ડ્રાઇવમાં સમાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભારતમાં ચાલશે 135 સીટર બસ, મેટ્રો કરતાં સસ્તી પણ સુવિધા વિમાન જેવી: ગડકરીનો નવો વાયદો
ઈ-વાહનોના વપરાશને વેગ
આ યોજનાનો ઉદ્દેશ 40 લાખથી વધુ વસ્તી ધરાવતા 9 મુખ્ય ભારતીય શહેરોમાં લગભગ 24.8 લાખ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર, 3.2 લાખ ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 14,000થી વધુ ઈલેક્ટ્રિક બસોને સબસિડી આપવાનો છે. આ ઉપરાંત, ઈલેક્ટ્રિક ટ્રક અને એમ્બ્યુલન્સ માટે અનુક્રમે રૂ. 500 કરોડ સુધીની સહાયની જોગવાઈ કરવામાં આવી છે.
ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ખરીદદારોને ક્યાં સુધી ફાયદો?
ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ખરીદનારાઓ નાણાકીય વર્ષ 2025માં રૂ. 5,000 પ્રતિ kWh અને નાણાકીય વર્ષ 2026માં રૂ. 2,500 પ્રતિ kWhની સબસિડી મેળવી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમારા વાહનની બેટરી 1kWHની છે, તો તમને આ વર્ષે રૂ. 5,000 અને આવતા વર્ષે રૂ. 2,500ની સબસિડી મળી શકે છે. જોકે, તેની મહત્તમ મર્યાદા વાહનના એક્સ-શોરૂમ ભાવના 15 ટકા સુધી મર્યાદિત છે. વાહન સબસિડી ઉપરાંત, આ યોજના ફોર-વ્હીલર માટે 22,000 EV પબ્લિક ચાર્જર અને ઇલેક્ટ્રિક બસો માટે 1,800 ચાર્જર સ્થાપિત કરવા તેમજ ભારે ઉદ્યોગ મંત્રાલય હેઠળ વાહન પરીક્ષણ માળખાને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.