AVAS System for Electric Vehicles: કેન્દ્ર સરકારે રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં લેતાં ઈલેક્ટ્રિક વાહનો મામલે મોટું પગલું લીધુ છે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી એકોસ્ટિક વ્હિકલ એલર્ટ સિસ્ટમ (AVAS)ની અનિવાર્યતાનો પ્રસ્તાવ મૂક્યો છે. આવો જાણીએ, આ સિસ્ટમ કેવી રીતે સામાન્ય લોકોને સુરક્ષા પ્રદાન કરશે?
શું છે પ્રસ્તાવ?
ડ્રાફ્ટ નોટિફિકેશનમાં પ્રસ્તાવિત નિયમ અનુસાર, 1 ઓક્ટોબર, 2026થી લોન્ચ થનારા તમામ નવા પેસેન્જર અને હેવી ઈલેક્ટ્રિક વ્હિકલ્સમાં AVAS સિસ્ટમ લગાવવી ફરિજ્યાત બનશે. જો કે, અગાઉથી બજારમાં અને ઉત્પાદિત મોડલ્સે 1 ઓક્ટોબર, 2027 સુધી આ નિયમનું પાલન કરવાનું રહેશે.
શા માટે જરૂરી છે AVAS?
ઈલેક્ટ્રિક વાહનોમાં અવાજ ન આવતાં હોવાથી રાહદારીઓને ખબર રહેતી નથી કે, પાછળથી વ્હિકલ આવી રહ્યું છે. AVAS સિસ્ટમ ઈ-વાહનોમાં અવાજ ઉત્પન્ન કરશે. જેથી રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે. આ પગલાંથી ઈલેક્ટ્રિક મોબિલિટી અપનાવવાની સાથે સાથે માર્ગ સુરક્ષામાં પણ સુધારો થશે.
MoRTHના નોટિફિકેશન અનુસાર, 1 ઓક્ટોબર, 2026થી નવા મોડલ અને 1 ઓક્ટોબર, 2027થી વર્તમાન મોડલ માટે M અને N કેટેગરીના ઈલેક્ટ્રિફાઈડ વાહન AVAS સાથે ઉપલબ્ધ થશે. એમ કેટેગરી પેસેન્જર વ્હિકલ અને N કેટેગરી ભારે વાહનો માટે છે. તેનો અર્થ એ છે કે, ઈલેક્ટ્રિક કાર, બસ, વાન અને ટ્રક સહિતના વાહનોમાં AVAS લગાવવી જરૂરી છે. હાલ આ નિયમમાંથી ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સ, થ્રી વ્હિલર્સ અને ઈ-રિક્ષાને મુક્તિ મળી છે.
કેવી રીતે કામ કરે છે AVAS સિસ્ટમ?
આ સિસ્ટમ વાહનના 20 કિમી પ્રતિ કલાકથી ઓછી સ્પીડ પર અવાજ ઉત્પન્ન કરે છે. જેથી રાહદારીઓ, સાયકલ સવાર અને માર્ગ ચાલતાં અન્ય વાહનોને તે વાહનની જાણકારી મળી શકશે અને સુરક્ષા વધશે. આ સિસ્ટમ ઓટોમેટિકલી 20 કિમી પ્રતિ કલાકથી ઓછી સ્પીડ પર અને વાહનને રિવર્સ લેતી વખતે એક્ટિવ થઈ જાય છે. હાઈ સ્પીડમાં ટાયર અને હવાનો અવાજ પર્યાપ્ત હોવાથી આ સિસ્ટમ બંધ જાય છે.
શું કહે છે ગ્લોબલ એક્સપિરિયન્સ?
ગ્લોબલ રિપોર્ટ અનુસાર, ઈલેક્ટ્રિક વાહનમાં અવાજ ન આવતો હોવાથી તે રાહદારીઓ માટે જોખમ ઉભુ કરી શકે છે. ખાસ કરીને ટુવ્હિલર્સ અને પગપાળા ચાલતાં લોકોને આભાસ પણ થતો નથી કે, પાછળથી ઈ-વાહન આવી રહ્યું છે. જેથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા આ પગલું લેવામાં આવ્યું છે.