Congress Senior Leader P Chidambaram: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે મોટો ખુલાસો કરતાં રાજકારણમાં હડકંપ મચ્યો છે. તેમણે ખુલાસો કર્યો કે, તત્કાલિન યુપીએ સરકારે 2008ના આતંકી હુમલા બાદ ભારે આંતરરાષ્ટ્રીય દબાણ અને વિદેશ મંત્રાલયના દબાણના કારણે પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સ્વીકાર્યું હતું કે, મારા મનમાં બદલાનો વિચાર આવ્યો હતો. પરંતુ સરકારે સૈન્ય કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો.
અમેરિકાના વિદેશ મંત્રીએ કર્યું દબાણ
ચિદમ્બરે સ્વીકાર્યું કે, તે સમયે કોંડોલીઝા રાઈસ અમેરિકાના વિદેશ મંત્રી હતાં. મેં કાર્યભાર સંભાળ્યાના બે-ત્રણ દિવસ બાદ મને અને વડાપ્રધાનને મળવા આવી હતી. અને કહ્યું કે, કૃપયા પ્રતિક્રિયા ન આપશો. મેં કહ્યું કે, આ એક એવો નિર્ણય છે, જે સરકાર લેશે. કોઈ પણ સત્તાવાર ગુપ્ત વાતો કહ્યાં વિના જ મારા મનમાં તે સમયે વિચાર આવ્યો હતો કે, અમારે બદલો લેવાની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. ચિદમ્બરે કહ્યું કે, અમે વડાપ્રધાન અને અન્ય મહત્ત્વના લોકો સાથે સંભવિત જવાબી કાર્યવાહી પર ચર્ચા કરી હતી.
આગળ જણાવ્યું કે, જ્યારે હુમલો થયો હતો, ત્યારે વડાપ્રધાને આ મામલે ચર્ચા કરી હતી અને નિષ્કર્ષ કર્યું હતું કે, અનેક દેશોના વિદેશ મંત્રાલય અને આઈએફએસ તેનાથી પ્રભાવિત હોવાથી આપણે આ પરિસ્થિતિ પર શારીરિક પ્રતિક્રિયા આપવી જોઈએ નહીં.
ભાજપ નેતાઓએ કર્યા પ્રહાર
ચિદમ્બરમના આ નિવેદનથી ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે, આ કબૂલનામુ ઘણું મોડા થયું. આખી દુનિયા દિલ્હીમાં કહેવા આવી હતી કે, યુદ્ધ શરૂ ન કરશો. તે સમયે અમેરિકાના વિદેશ મંત્રી પણ દિલ્હી આવ્યા હતા. ચિદમ્બરમે આતંકવાદી હુમલાના થોડા દિવસ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રીનો પદભાર સંભાળ્યો હતો. આ 2008ના આતંકી હુમલામાં 175 લોકોએ જીવ ગુમાવ્યા હતાં.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાના આ કબૂલનામાની આકરી ટીકા કરતાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું કે, પૂર્વ ગૃહ મંત્રીએ સ્વીકાર્યું છે કે, દેશ પહેલાંથી જાણતો હતો કે, મુંબઈ હુમલાને વિદેશી તાકાતોના દબાણના કારણે ખોટી રીતે હેન્ડલ કરવામાં આવ્યો હતો. ભાજપ પ્રવક્તા શેહજાદ પુનાવાલાએ આરોપ મૂક્યો હતો કે, ચિદમ્બરમ મુંબઈ હુમલાને ધ્યાનમાં લેતાં ગૃહ મંત્રી તરીકે કાર્યભાર સંભાળવા માટે તૈયાર ન હતાં. તેઓ પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરવા માગતા હતા, પરંતુ તેમના પર અન્યનો દબદબો રહ્યો. શું વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અથવા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કાર્યવાહી કરતાં રોક્યા હતાં. તેમનો દાવો સંકેત આપી રહ્યો છે કે, યુપીએ સરકાર કોંડોલીઝા રાઈસના પ્રભાવ હેઠળ કામ કરી રહી હતી. યુપીએ તેમની પાસેથી આદેશ કેમ લઈ રહ્યા હતાં. સોનિયા ગાંધી ગૃહ મંત્રી પર કેમ હાવિ હતાં?
2008માં થયો હતો આતંકી હુમલો
લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા 10 પાકિસ્તાની આતંકવાદીઓના એક ગ્રૂપે 26 નવેમ્બર, 2008ના રોજ છત્રપતિ શિવાજી મહારાજ રેલવે સ્ટેશન, ઓબેરોય ટ્રાઈડેન્ટ, તાજ મહલ પેલેસ એન્ડ ટાવર હોટલ, લિયોપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ પર હુમલા થયા હતાં. મુંબઈ પોલીસે આ 10 આતંકવાદીઓમાંથી એક અજમલ કસાબની ધરપકડ કરી હતી. જેને 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી.