– પોલીસના દરોડામાં બંને આરોપી ફરાર
– દેશી દારૂ, વોશ અને અન્ય સાધનો મળી કુલ 8 હજારનો મુદ્દામાલ જપ્ત,
માંડલ : માંડલથી અઢી કિ.મી દુર વોકળાની બાજુમાંથી દેશી દારૂ બનાવાતી ભઠ્ઠી ઝડપાઈ હતી. જોકે, પોલીસના દરોડામાં ભઠ્ઠી ચલાવતા બંને શખ્સો ફરાર થવામાં સફળ થયા હતા. પોલીસે દેશી દારૂ, વોશ અને અન્ય સાધનો મળી કુલ ૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
માંડલના સીમ વિસ્તારમાં અઢી કિ.મી દુર વોકળાની બાજુની પાળ ઉપર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલી રહી છે તેવી બાતમીના આધારે માંડલ પોલીસે દરોડો પાડયો હતો. જેમાં દેશી દારૂ બનાવાતી ભઠ્ઠી મળી આવતાં તપાસ કરતાં અર્ધ બળેલો દેશી દારૂ ગાળવાનો વોશ ૫૦ લીટર, વોશના સેમ્પલની બોટલો, ૨.૫ લીટર જેટલો દેશી દારૂ, દેશી દારૂના સેમ્પલની બોટલ, એલ્યુમિનિયમનું તગારું, કાચો વોશ તેમજ કાચા વોશના સેમ્પલની બોટલ મળીને કુલ ૮૦૫૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ હતો. પોલીસની રેઈડ દરમ્યાન ભઠ્ઠી ચલાવતાં આરોપી રણછોડભાઈ ગણેશભાઈ ઠાકોર અને રાજુભાઈ કાળુભાઈ ઠાકોર (બંને રહે.માંડલ) ફરાર થયેલ હતાં. માંડલ પોલીસે દેશી દારૂ, વોશ અને ભઠ્ઠીમાં ઉપયોગી તમામ સાધનો સાથેનો મુદ્દામાલ મથકે લઈ જઈ બંને વોન્ટેડ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.