– ખરાબ વાતાવરણના કારણે ‘ઓપરેશન જિંદગી’ અટવાયું
– ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કેમ્પની મુલાકાત લઈ પ્રવાસીઓને આશ્વાસન આપ્યું, મહિલા યાત્રિકે રાખડી બાંધી : આગામી સપ્તાહમાં દેહરાદૂનથી ફ્લાઈટમાં અમદાવાદ આવશે
ભાવનગર : ઉત્તરાખંડના છોટેકાશી જિલ્લાના ધરાલી ગામે આભ ફાટવાની ઘટનાના કારણે ભાવનગરના ૩૮ સહિત ૧૦૦ જેટલા યાત્રિકો ફસાયા હતા. જેમને ગંગોત્રી પાસેની હોટલમાં સુરક્ષિત સ્થાને લઈ જવાયા બાદ ‘ઓપરેશન જિંદગી’ હેઠળ ભાવનગર જિલ્લા સહિતના ૭૦ જેટલા ફસાયેલા યાત્રિકોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરી છોટેકાશી લવાયા હતા.
શ્રી હોલીડેના અમિતભાઈ ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગંગોત્રી પાસેથી ૬૫થી ૭૦ પ્રવાસીઓને ઉત્તરાખંડ સરકારની મદદથી રેસ્ક્યુ કરી છોટેકાશી લાવવામાં આવ્યા છે. દરમિયાનમાં વાતાવરણ ખરાબ થતાં રેસ્ક્યુ કામગીરી અટવાઈ હતી. જેથી બાકીના ૩૦થી ૩૫ જેટલા પ્રવાસીઓને પરત લાવવામાં વિઘ્ન નડયો છે. જો કે, વાતાવરણ સ્વચ્છ થયા બાદ આવતીકાલ સુધીમાં બાકીના તમામ યાત્રિકોને પણ હેલિકોપ્ટર મારફત છોટેકાશી લવાશે. તમામ યાત્રિકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે. બદ્રીનાથમાં ભાગવદ્ સપ્તાહ હોય, ત્યાં અને હરિદ્રારમાં રોકાણ બાદ આગામી સપ્તાહમાં દેહરાદૂનથી ફ્લાઈટ મારફત યાત્રિકો અમદાવાદ અને ત્યાંથી ભાવનગર પરત આવશે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કેમ્પની મુલાકાત લઈ ફસાયેલા પ્રવાસીઓને આશ્વાસન આપ્યું હતું. તેમને એક મહિલા પ્રવાસીએ રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. ઉત્તરાખંડ અને ગુજરાત સરકાર તરફથી પૂરતો સહયોગ મળતો હોવાનું તેમણે ઉમેર્યું હતું.