– બિનઆરોગ્યપ્રદ 15 કિલો જથ્થો નાશ કરાયો
– શહેર સહિત જિલ્લામાં મિઠાઈ, ફરસાણ, તેલના 51 નમૂના પણ ચકાસણી માટે મોકલી અપાયા
આણંદ : આણંદ જિલ્લામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા યોજાયેલી ખાસ ડ્રાઈવમાં ફરાળી ખાદ્ય પદાર્થોના ૩૧ નમૂના પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો ૧૫ કિલો જથ્થો સ્થળ પર નાશ કરી વેપારીઓને સ્વચ્છતાની તકેદારી રાખવા સૂચના અપાઈ છે.
આણંદ, વલ્લભ વિધ્યાનગર, બોરસદ તથા અન્ય તાલુકાઓમાંથી ફરાળી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓમાંથી બટાકાની ફરાળી વેફર, સાબુદાણાની ખિચડી, સાબુદાણા વડા, પેટીસ, જેવા તૈયાર ખોરાક તેમજ ફરાળી, રાજગરા અને સિંગોડાના લોટ જેવી ફરાળી ખાદ્ય પદાર્થોના ૩૧ જેટલા નમુના પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા છે.
રક્ષાબંધન તથા જન્માષ્ટમી જેવા તહેવારોને અનુલક્ષીને મિઠાઇ, ફરસાણ બનાવતી તેમજ વેચાણ કરતી પેઢીઓની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આણંદ શહેર તથા જિલ્લાના તાલુકાઓમાંથી ૫૧ જેટલા મિઠાઇ, ફરસાણ તેમજ ખાદ્ય તેલના નમુનાઓ પણ પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા છે. ડ્રાઈવ દરમિયાન બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો અંદાજિત ૧૫ કિલોગ્રામ જેટલો જથ્થો સ્થળ પર જ નાશ કરી વેપારીઓને સ્વચ્છતા જાળવવા ખાસ સુચના અપાઈ છે. નમૂનાઓનો રિપોર્ટ આવ્યા બાદ એફએસએસ એક્ટ-૨૦૦૬ મુજબ કાર્યવાહી કરાશે. તહેવારોને ધ્યાનમાં રાખી તપાસ ઝૂંબેશ ચાલું જ રાખવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ જણાવ્યું છે.