વડોદરાઃ ઓનલાઇન ઠગો દ્વારા રૃપિયા પડાવી લેવા માટે જુદીજુદી તરકીબો અજમાવવામાં આવતી હોય છે.આવા જ એક કિસ્સામાં રક્ષાબંધન નિમિત્તે બહેન માટે ગિફ્ટ મંગાવવા જતાં એક ભાઇએ રૃ.બે લાખ ગૂમાવ્યા હોવાનો બનાવ બન્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ,કાર્તિક નામના યુવકે રક્ષાબંધન માટે ઓનલાઇન ગિફ્ટ મંગાવી હતી.જેનું પાર્સલ આવતાં તેણે ઓટીપી આપ્યો હતો.ત્યારબાદ બીજા દિવસે તેના બેન્ક એકાઉન્ટમાંથી તબક્કાવાર રૃ.૨ લાખ ઉપડી ગયા હતા.
યુવકે બેન્ક અને સાયબર સેલને જાણ કરતાં ઠગો વધુ રોષે ભરાયા હતા અને રકમની માંગણી કરી ધમકીભર્યા કોલ્સ કર્યા હતા.જેમાં કરાંચીનો નંબર આવતો હતો.ઠગોએ કહ્યું હતું કે,તારો ફોન હેક કરી લીધો છે.તારા ન્યૂડ ફોટા બનાવીને સોશ્યલ મીડિયા પર મુકીશું.જેથી તેણે પોલીસને જાણ કરી હતી.
નોંધનીય છે કે,અગાઉ પણ પાર્સલના નામે વિગતો મેળવીને ઠગાઇના કિસ્સા બન્યા હતા.જેથી પોલીસે લોકોને સતર્ક રહેવા અને પર્સનલ વિગતો શેર નહિ કરવા અપીલ કરી છે.