– મંદિરે જતાં લોકોને ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત
– આરતીના સમયે જ વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાની રાવ, ભક્તોમાં કચવાટ
સિહોર : છોટેકાશી ગણાતા સિહોરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયો સહિતના ધાર્મિક સ્થળો આસપાસ ગટરના પાણી વહેતા હોવાથી દર્શનાર્થીઓને કાયમ પરેશાની વેઠવી પડે છે.
સિહોરના સુપ્રસિદ્ધ ગૌતમેશ્વર મહાદેવ, ભુતનાથ મહાદેવ, ધારનાથ, કાશી વિશ્વનાથ, ગૌતમકુંડ, મુસ્લિમ સમાજના પવિત્ર ઈદગાહ સહિતના અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. જ્યાં દરરોજ સંખ્યાબંધ લોકો આવર જવર રહે છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન જિલ્લાભરમાંથી લોકો નવનાથના દર્શન કરવા પહોંચે છે. ત્યારે નગરપાલિકા તંત્રના પાપે આવા ધાર્મિક સ્થળોના રસ્તા પર ગટર ઉભરાવવાથી દુર્ગંઘયુક્ત પાણી રસ્તા પર વહે છે. ગંદકીનું પણ ઠેર-ઠેર સામ્રાજ્ય જોવા મળે છે. જેના કારણે ભક્તોને નાછુટકે ગટરના ગંદા અને ગંદકીમાંથી પસાર થઈ મંદિરે જવું પડતું હોય, લોકોમાં ભારે રોષ ફેલાયો છે. શહેરમાં કરોડો રૂપિયા ખર્ચી ગટર લાઈન નાંખવામાં આવી છે. પરંતુ અનેક વિસ્તારોમાં ગટર યોજના પહોંચી જ ન હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. વધુમાં વીજ તંત્ર દ્વારા પણ આડોળાઈ કરી સવાર અને સાંજે આરતીના સમયે જ વીજ પુરવઠો ખોરવી નાંખવામાં આવતો હોવાની રાવ સાથે ભક્તોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આ બાબતે નગરપાલિકા અને વીજ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.