– વડોદરા-દિલ્હી એક્સપ્રેસ વે પર અકસ્માત
– આગળ જતી બોલેરો સાથે કાર પાછળથી અથડાઇ : 12 વર્ષના પુત્રને ગંભીર ઇજા
પાદરા : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એક કાર આગળ જતી બોલેરો પીકઅપ સાથે ધડાકાભેર અથડાતા રક્ષાબંધન કરવા માટે સુરત જતા વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતા પતિ અને પત્નીનું કરૂણ મોત નિપજ્યું હતું જ્યારે તેમના ૧૨ વર્ષના પુત્રને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના અટલાદરારોડ પર આવેલ સમન્વય સ્ટેટસ ખાતે રહેતા વિશાલ ભરતભાઈ મિી(ઉ.વ.૪૧) અને તેમના પત્ની ચૈતાલીબેન(ઉ.વ.૩૮) પુત્ર કિયાન (ઉ.વ.૧૨) સાથે ગઇકાલે સવારે પોતાની કાર લઇને સુરત ખાતે રક્ષાબંધનની ઉજવણી માટે જવા નિકળ્યા હતા. વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતી વખતે નવ વાગ્યાની આસપાસ પાદરા તાલુકાના સરસવણી ગામ પાસેથી પસાર થતા હતાં.
દરમિયાન રોડ પર આગળ જતા અન્ય વાહનને ઓવરટેક કરતા આગળના ટ્રેક પર ચાલતી બોલેરો પીકઅપ ગાડીએ અચાનક બ્રેક મારતા બોલેરો પીકઅપ સાથે પાછળનાં ભાગે કાર અથડાતા અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં વિશાલ તેમજ પત્ની ચૈતાલીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું જ્યારે પુત્ર કિયાનને ઇજા થતાં વડોદરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.
આ બનાવ અંગે પાદરા પોલીસે બોલેરો પીકઅપના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.