– 2024-25 માં કપાસના વાવેતરમાં 11.49 ટકાનો ઘટાડો અને મગફળીમાં 23.52 ટકાનો વધારો નોંધાયો હતો
– કપડવંજ તાલુકામાં સૌથી વધુ 48,018 હેક્ટર અને સૌથી ઓછું વસોમાં 10,699 હેક્ટરમાં વાવેતર
નડિયાદ : ખેડા જિલ્લામાં ખરીફ ૨૦૨૫-૨૬ ઋતુ માટે કુલ વાવેતર ૧,૪૪,૦૬૪ હેક્ટરમાં નોંધાયું છે. ઓગસ્ટની શરૂઆતના આંકડા ખરીફ સિઝનના પ્રારંભિક તબક્કાના વાવેતર દર્શાવી રહ્યા છે. ગત વર્ષે ઓગસ્ટમાં ભારે વરસાદના પગલે ખેડા જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો હતો. ત્યારે ચાલુ વર્ષે પાક અનુકુળ વરસાદ રહેતા ખેડૂતોએ હાંશકારો અનુભવ્યો છે. ખેડા જિલ્લામાં ખરીફ ૨૦૨૫-૨૬ ઋતુનું કુલ વાવેતર ૧,૪૪,૦૬૪ હેક્ટરમાં નોંધાયું છે.
કપડવંજ તાલુકામાં સૌથી વધુ ૪૮,૦૧૮ હેક્ટરમાં વાવેતર થયું છે, ઠાસરામાં ૩૦,૯૭૪ હેક્ટર અને નડિયાદમાં ૨૨,૯૫૬ હેક્ટર વાવેતર નોંધાયું છે. કઠલાલમાં ૨૧,૨૫૧ હેક્ટર, માતરમાં ૧૬,૨૫૮ હેક્ટર, ગળતેશ્વરમાં ૧૩,૫૧૩ હેક્ટર અને વસોમાં ૧૦,૬૯૯ હેક્ટર વાવેતર થયું છે.
ખેડા જિલ્લો ગુજરાતના ચરોતર પ્રદેશનો એક મહત્વનો કૃષિપ્રધાન જિલ્લો છે, જ્યાં તમાકુ અને ડાંગર પરંપરાગત રીતે મુખ્ય પાકો રહ્યા છે.
ઉપરાંત, ઘઉં, બાજરી, મકાઈ, કપાસ અને મગફળી પણ અહીંના મુખ્ય પાકોમાં શામેલ છે. ૨૦૨૪ની ખરીફ ઋતુ ખેડા જિલ્લાના ખેડૂતો માટે પડકારજનક રહી હતી.
ઓગસ્ટ અને ઓક્ટોબર ૨૦૨૪માં રાજ્યમાં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત ૨૦ જિલ્લાઓમાં ખેડાનો પણ સમાવેશ થતો હતો. વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાન થયું હતું. પરિણામે રાજ્ય સરકારે રૂ. ૧,૪૧૯.૬૨ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. ઓગસ્ટ અને ઓક્ટોબર ૨૦૨૪માં થયેલા ભારે વરસાદ અને પાક નુકસાનથી ખરીફ ૨૦૨૪-૨૫ના વાવેતર પેટર્ન પર સીધી અસર થઈ હોવાનું જણાય છે.
રાષ્ટ્રીય સ્તરે ૨૦૨૪-૨૫માં કપાસના વાવેતર વિસ્તારમાં ૧૧.૪૯ ટકાનો ઘટાડો થયો હતો,
જ્યારે મગફળીના વાવેતરમાં ૨૩.૫૨ ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો. કપાસને વારંવાર થતા વરસાદી નુકસાનને કારણે ખેડા જિલ્લાના ખેડૂતો પણ કપાસમાંથી અન્ય પાકો, ખાસ કરીને મગફળી જેવા તેલીબિયાં પાકો તરફ વળ્યા હોવાની પ્રબળ સંભાવના છે.