– મૃતકના ભાઈએ બાઇક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
– બન્ને મિત્ર બાઈક લઈને હડમતીયા દર્શન કરવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : ભાવનગર રાજકોટ રોડ પર આવેલ સણોસરા ગામ નજીક બે બાઇક અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું.જ્યારે મિત્રને ઈજા થઈ હતી.
સિહોરના રામનગર ગુંદાળા વસાહત ખાતે રહેતા કાનાભાઇ ખાટાભાઈ ચુડાસમા અને તેના મિત્ર નીતીનભાઈ બારૈયા બન્ને મોટરસાઇકલ નં.જીજે ૦૪ ઈએચ ૩૨૭૬ લઇને હડમતીયા દર્શન કરવા જતા હતા. ત્યારે હાઇવે રોડ પર આવેલા સણોસરા ગામ નજીક સામેથી આવી રહેલ મોટરસાયકલ નં. જીજે ૦૪ ઈસી ૬૭૩૮ ના ચાલક પુરઝડપે અને બેફીકરાઇ રીતે ચલાવી આવી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી કાનાભાઇના બાઈક સાથે અથડાવી દેતા બાઈક પર જઈ રહેલા બન્ને મિત્રને ઈજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં કાનાભાઈનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ બુધાભાઇએ બાઈક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.