– આણંદના ઓડમાં હરસિદ્ધિ મંદિરે સિરીઝ લગાવવા મુદ્દે તકરાર
– ધારિયા- લાકડીઓ સાથે બે જૂથના ટોળાની મારામારી ઈજાગ્રસ્ત 3 મહિલા અને બે પુરૂષ સારવાર હેઠળ
આણંદ : આણંદ તાલુકાના ઓડ ગામની સુરીવાળી ભાગોળ ખાતે નવરાત્રિ મહોત્સવમાં શણગાર કરવા બાબતે એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ થતા તંગદિલી વ્યાપી ગઈ હતી. બંને જૂથોએ સામસામે પથ્થર મારો કરતા પાંચ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
ઓડ ગામની સુરીવાળી ભાગોળ ખાતે દર વર્ષે હરસિદ્ધિ માતાના મંદિર નજીક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ વિસ્તારમાં રહેતા પરમાર કોમના બે જૂથો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણ બનાવ ચાલે છે. ગતરોજ એક જૂથ દ્વારા નવરાત્રિના શણગાર માટે સીરીઝો લગાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે અન્ય જૂથના કેટલાક લોકોએ વિરોધ કરતા બંને પક્ષો વચ્ચે મામલો બીચક્યો હતો.
ઉગ્ર બોલાચાલી થતા બંને જૂથના લોકો સામ સામે આવી ગયા હતા. ધારિયા તથા લાકડીઓ લઈ બંને જૂથના લોકો વચ્ચે મારામારી થઈ હતી. આ ઝઘડામાં બંને જૂથો દ્વારા ભારે પથ્થરમારો કરવામાં આવતા નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં ત્રણ મહિલા અને બે પુરુષો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ ખંભોળજ પોલીસને થતા પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
બંને જૂથોને વિખેરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તોને તુરંત જ ૧૦૮ વાન મારફતે સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.