જાફરાબાદના લુણસાપુરમાં કંપનીની કોલોનીમાં ભયનું લખલખું : વીડિયો વાયરલ, : 8 મકાનમાં ઘુસ્યા પણ એકમાં જ ફાવ્યા, : સોમનાથ દર્શને ગયેલા કર્મચારી પરિવારને ત્યાંથી મોટો દલ્લો ઉસેડયો
અમરેલી, : જાફરાબાદમાં લુણસાપુર ગામે આવેલી સિન્ટેક્સ કંપનીની કર્મચારી આવાસ કોલોનીમાં ગત રાત્રે બુકાનીધારી શખ્સો તલવાર સાથે ત્રાટક્યા હતા. આ તસ્કરોએ આઠ ક્વાર્ટરને નિશાન બનાવી તોડફોડ કરી હતી પરંતુ એક જ સ્થળેથી ચોરીમાં ફાવ્યા હતા. આ શખ્સોએ રૂા. 11.32 લાખની માલમત્તાની ચોરી કરી હતી.
ગત મોડીરાતે બનેલા ઘરફોડીના બનાવની વધુ વિગતો મુજબ તહેવારો સબબ કર્મચારીઓ વતન ભણી ગયાનું માની બુકાનીધારી શખ્સો હાથમાં તલવાર સાથે પહોંચ્યા હતા જેનો વીડિયો વાયરલ થયો છે. આ શખ્સોએ જુદા-જુદા આઠ ક્વાર્ટરોનાં દરવાજા તોડી ઘરમાં ઘૂસ્યા હતાં. જેમાં ઉત્તરપ્રદેશના મૂળ રહેવાસી અને ઉપરોક્ત કંપનીમાં ફરજ બજાવતા આશિષકુમારસિંહ શ્રીવિશ્વનાથસિંગ ચૌહાણ સમગ્ર પરિવાર સાથે સોમનાથ દર્શને ગયા હતાં. તેના બ્લોક નં. ૧૦૪નો દરાવજો તોડી તસ્કરો ઘૂસ્યા હતાં.
આ તસ્કરોએ ઘરનો સામાન ફેંદી નાખ્યો હતો અને તિજોરીમાંથી રૂા. 10,13,120 ની કિંમતના સોનાના દાગીના રૂા. 78399 ની કિમતના ચાંદીના દાગીના, રૂા. 41,000 રોકડા મળી કુલ રૂા. 11,32,696 ની માલમત્તા ઉસેડી ગયા હતાં. જ્યારે અન્ય 7 ક્વાર્ટરમાંથી તેઓને કશું જ મળ્યું ન હતું. આ ઘટના બનતા એએસપીનાં નેતૃત્વમાં જિલલ્ના જુદા-જુદા પોલીસ મથકોની સર્વેલન્સ સ્કવોડની ટીમોને તપાસમાં ઉતારી છે. આસપાસના સીસીટીવી ફૂટેજમાં પાંચ શખ્સો દેખાયા છે. પોલીસે ઘરફોડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.