જૂલાઈમાં પેટ્રોલ 34.93 લાખ, ડીઝલ 73.63 લાખ ટન વપરાશ : રૂ. 52માં પડતા પેટ્રોલમાં લિટરે રૂ. 21.90 એક્સાઈઝ ડયુટી ઉપરાંત ગુજરાતમાં રૂ. 14.86 નો વેટ, 4.40 ડીલર કમિશન
રાજકોટ,: શહેરોના વિસ્તૃતીકરણના કારણે પેટ્રોલ-ડીઝલ હવે નોકરી-ધંધા,સરકારી કામ, શિક્ષણ, સારવારથી માંડીને સામાજિક વ્યવહાર માટે જીવનજરૂરી વસ્તુ બની ગઈ છે ત્યારે આજે સંસદમાં વિવિધ પ્રશ્નોના ઉત્તર મૂજબ ભારતમાં ઈ.સ. 2015-16માં દેશની રાજધાનીના ભાવ મૂજબ પ્રતિ લિટર રૂ. 61.59 હતા તેમાં 53.87 ટકાનો વધારો થઈને આ વર્ષ 2025-26ના તા. 23જૂલાઈની સ્થિતિએ રૂ. 94.77એ પહોંચ્યું છે જે ભાવ ગુજરાતમાં પણ રૂ. 94.70 પૈસા છે. ગુજરાતમાં પેટ્રોલ પર રૂ. 14.86 અને ડીઝલ પર રૂ. 15.06 વેટ લેવાય છે. ભીષણ કોરોના કાળના વર્ષ ઈ. 2021-22માં પેટ્રોલનો સૌથી ઉંચો ભાવ રૂ. 98ને પાર થયો હતો. ભારતમાં પેટ્રોલ રૂ. 52.09 પૈસામાં અને ડીઝલ રૂ. 52.92 પૈસામાં પડે છે જેના પર એક્સાઈઝ ડયુટી અને રાજ્યોનો ટેક્સ તથા ડીલરોનું કમિશન વગેરે ઉમેરાઈને ગ્રાહકોને પેટ્રોલ રૂ. 94.77માં અને ડીઝલ રૂ. 87.67 માં મળે છે. અને હવે તો પેટ્રોલ પણ 100 ટકા શુધ્ધ નથી, તેમાં 20 ટકા બાકાયદા ઈથોનોલ ભેળવાય છે જે સ્વદેશી અને સાપેક્ષમાં સસ્તુ ગણાય છે પણ તેનો લાભ કિંમતમાં અપાયો નથી.
ચાલુ વર્ષે એપ્રિલથી જૂલાઈ 4 માસમાં દેશમાં પેટ્રોલ (એમએસ અર્થાત્ મોટર સ્પિરિટ)નો વપરાશ 1,42,46,000 ટન અને ડીઝલનો 32317000 ટન નોંધાયો હતો. ગત જૂલાઈ માસમાં માત્ર પેટ્રોલનો વપરાશ 34.93 લાખ ટન થયો છે. એકંદરે ઈંધણનો વપરાશ વાહનો વધવા સાથે વધી રહ્યો છે. શહેરોમાં સલામત સાયકલ ટ્રેક કે રાહદારી પથ બનાવાયા નથી તેથી બાળકોએ ભણવા માટે પણ પેટ્રોલ વાપરવું પડે છે.
ઈ. 2022 થી પેટ્રોલના ભાવ ઉંચાઈ પર સ્થિર કરી દેવાયા
રાજકોટ, : વર્ષો પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ દર 15 દિવસે આંતરરાષ્ટ્રીય ભાવ મૂજબ વધારો-ઘટાડો કરાતો હતો, ત્યારબાદ માર્કેટ મૂજબ રોજ ચેન્જ કરાતો હતો.પરંતુ, મે- 2022થી આ ભાવ નિર્ધારણની પ્રથા બંધ કરીને ઓઈલ કંપનીઓએ આશરે રૂ. 96.97ની આસપાસ પેટ્રોલનો ભાવ ઉંચાઈ પર ટકાવી રાખ્યો છે. કોરોના કાળમાં અને ત્યારબાદ પણ ભાવ તળિયે ગયા તેનો લાભ મળ્યો નથી.