ગાંધીનગર શહેર નજીક આવેલા આદરજ પાસે
અકસ્માત જોઈને દોડી ગયેલા પુત્રએ સારવાર માટે ખસેડયા પરંતુ મોત થયું
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા મોટી આદરજ પાસે ચાલતા જઈ રહેલા
આધેડને અડફેટે લઈ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ઘાયલ આધેડને સારવાર માટે
ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જે અંગે પેથાપુર
પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતના
બનાવો સતત વધી રહ્યા છે ત્યારે શહેર નજીક આવેલા મોટી આદરજ પાસે વધુ એક હિટ એન્ડ
રનની ઘટનામાં આધેડનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો
પ્રમાણે મોટી આદરજ ખાતે ચતુરજીનુ પરૃમાં રહેતા સંજયજી અરજણજી ઠાકોર દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે,
ગત બુધવારના તેઓ રાત્રે ઘરે હતા ત્યારે ઘર નજીક રોડ પર
હોબાળો થતાં તેઓ ત્યાં ગયા હતા. ત્યાં લોકોએ જણાવ્યું કે કોઈ વાહન ચાલક અકસ્માત
કરીને ભાગી ગયો છે. સંજયજીએ જોયું તો તેમના પિતા અરજણજી વેચાતજી ઠાકોર રોડ પર પડયા
હતા. તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં
આવ્યા હતા. માથામાં ગંભીર ઈજા અને મગજમાં હેમરેજ થવાને કારણે તેમને વધુ સારવાર
માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન, ગઈકાલે સવારના
સમયે તેમનું મોત થયું હતું. જેથી અકસ્માતની આ ઘટના અંગે પેથાપુર પોલીસ દ્વારા ફરાર
થઈ ગયેલા વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.
જિલ્લામાં હિટ એન્ડ રનના બનાવવામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને ફરાર થઈ
જતા વાહન ચાલકો નહીં પકડાવાને કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.