– નડિયાદ પોક્સો કોર્ટે 10 હજારનો દંડ પણ ફટકાર્યો
– 2020 ની ઘટનામાં ઠપકો આપવા ગયેલા પરિવારજનોને આરોપીએ ધમકી પણ આપી હતી
નડિયાદ : ઠાસરા તાલુકાના એક ગામમાં પાંચ વર્ષ પહેલા કિશોરીની એકલતાનો લાભ લઈ તેની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર આરોપીને દોષિત ઠેરવીને ૩ વર્ષની સખત કેદ અને ૧૦,૦૦૦નો દંડ નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટે ફટકાર્યો છે.
ઠાસરા તાલુકાના એક ગામમાં તા. ૨૬ એપ્રિલ ૨૦૨૦ના રોજ ૩૨ વર્ષીય રણજીત પરમાર નામના શખ્સે એક કિશોરીની એકલતાનો લાભ લઈ તેની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપીએ ગામની સીમમાં કિશોરીને જોઈને તેની પાછળ જઈને છેડતી કરી હતી. કિશોરીએ બૂમાબૂમ કરતાં તેના પરિવારના લોકો ત્યાં આવી પહોંચતા આરોપીએ તેણીને છોડી દીધી હતી. ઘટના બાદ કિશોરીના પરિવારજનોએ આરોપીને ઠપકો આપતાં તેણે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપી રણજીતની અટકાયત કરી તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ નડિયાદના સ્પેશિયલ પોક્સો જજ પી.પી. પુરોહિતની કોર્ટમાં ચાલ્યો હતો.
સરકારી વકીલની ૭ સાક્ષીઓની જુબાની, ૫ દસ્તાવેજી પુરાવા અને દલીલોને માન્ય રાખી કોર્ટે આરોપી રણજીત પરમારને પોક્સો કેસમાં ૩ વર્ષની સખત કેદની સજા અને ૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે.