Rahul Gandhi On Street Dogs: સુપ્રીમ કોર્ટે રસ્તા પર રખડતાં તમામ કૂતરાઓને પકડી ખસીકરણ કરવા તેમજ સ્થાયી રૂપે તેમને શેલ્ટર હોમમાં રાખવા આદેશ આપ્યો છે. આ આદેશ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટનો દિલ્હી-એનસીઆરમાંથી તમામ રખડતાં કૂતરાઓને હટાવવાનો નિર્દેશ માનવ અને વિજ્ઞાન આધારિત દાયકા જુની પોલિસીમાંથી પીછે હટ કરવાનો છે. આ અબોલ પશુ એટલી મોટી સમસ્યા નથી, જેને દૂર કરી દેવાય.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, શેલ્ટર્સ, ખસીકરણ, વેક્સિનેશન અને કોમ્યુનિટી કેર રસ્તાઓને સુરક્ષિત રાખી શકે છે. તે પણ કોઈપણ પ્રકારની ક્રૂરતા વિના. પરંતુ અચાનક સામૂહિક રૂપે કૂતરાઓને દૂર કરવાનું પગલું ક્રૂર અને નિર્દયી છે. આપણે જનસુરક્ષા અને પશુ કલ્યાણને એક સાથે સુનિશ્ચિત કરી શકીએ છીએ.
સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
સુપ્રીમ કોર્ટે રસ્તા પર રખડતાં કૂતરાઓના ત્રાસ પર થયેલી અરજી પર સુનાવણી કરતાં આદેશ આપ્યો છે. કોર્ટે આઠ સપ્તાહની અંદર રખડતાં કૂતરાઓ માટે શેલ્ટર હોમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ છ સપ્તાહની અંદર 5000 કૂતરાઓને પકડવાનું અભિયાન શરૂ કરવા પણ કહ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં તેની શરૂઆત કરવા સૂચન કર્યું છે. આ કાર્યવાહીમાં અડચણ નાખનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી પણ નિર્દેશ કર્યો છે.