INDIA Alliance Protest : બિહારમાં મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણી પંચની SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશ વિરોધમાં વિપક્ષોએ ગઈકાલે સંસદ બહાર ભારે દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા, ત્યારે વિપક્ષો આજે (12 ઓગસ્ટ) પણ આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. આજે વિપક્ષના તમામ સાંસદો એક મહિલા મતદારની તસવીરવાળી ટી-શર્ટ પહેરીને ઉગ્ર વિરોધ કરતા જોવા મળ્યા છે. વિપક્ષોએ ચૂંટણી પંચ દ્વારા બિહારમાં મતદાર યાદીમાં સુધારણા (SIR) સહિત મોંઘવારી મામલે પણ પ્રદર્શન કરી રહ્યા છે.
SIR અને મોંઘવારી મામલે વિપક્ષોના દેખાવો
આજે સંસદ બહાર ભેગા થયેલા કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી, એનસીપી શરદ પવાર જૂથના નેતા સુપ્રિયા સુલે, ડીએમકે સાંસદ કનિમોઝી સહિત વિપક્ષના તમામ સાંસદોએ અનોખું પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેઓએ બિહારની 124 વર્ષની મહિલા મતદાર ‘મિંતા દેવી’ની તસવીરવાળી ટી-શર્ટ પહેરી હતી, તો કેટલાંક સાંસદોએ ગળામાં ડુંગળીની માળા પહેરી હતી. વિપક્ષના સાંસદો બિહારમાં SIR પ્રક્રિયા સહિત મોંઘવારી મામલે પણ વિરોધ કરતા જોવા મળ્યા છે. તેઓ બેનરો લઈને આવ્યા હતા, જેમાં ‘સાઈલેન્ડ ઈનવિજિબલ રિગિંગ (SIR) રોકો’ અને ‘વૉટ ચોરી બંધ કરો’ જેવા સૂત્રો લખ્યા હતા.
SIR મામલે વિપક્ષો આક્રમક મૂડમાં
ચૂંટણી પંચ દ્વારા બિહારમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) એટલે કે મતદાર યાદી સુધારણા કામગીરી કરવામાં આવી છે અને તેમાં અનેક ખામી હોવાનો વિપક્ષો આક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસ, આરજેડી સહિત ઈન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો SIR પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે. SIR એવી પ્રક્રિયા છે, જેમાં મતદાર યાદીને અપડેટ કરવામાં આવી રહ્યું છે. જોકે વિપક્ષનો આક્ષેપ છે કે, ચૂંટણી પંચ દ્વારા ઉતાવડમાં એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરાઈ છે અને યાદીમાંથી લાખો મતદારો, ખાસ કરીને ગરીબ, લઘુમતીઓ અને પ્રવાસી શ્રમિકોના નામ હટાવવામાં આવ્યા છે, જેને રાહુલે વૉટ ચોરી ગણાવી છે. તો ચૂંટણી પંચે પણ આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
કોણ છે મિંતા દેવી?
વિપક્ષના સાંસદોએ આજે સંસદ બહાર મિંતા દેવી નામની તસવીર છાપેલી સફેટ ટી-શર્ટ પહેરીને ઉગ્ર દેખાવો કર્યા છે. સાંસદોએ મિંતા દેવીનો ઉલ્લેખ કરીને ચૂંટણી પંચની SIR પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. વાસ્તવમાં બિહારની મતદાર યાદીમાં મિંતા દેવીની ઉંમર 124 વર્ષ નોંધાયેલી છે, જે અસંભવ છે. તેઓ બિહારના સિવાનની રહેવાસી છે. વિપક્ષનો દાવો છે કે, મિંતા દેવીનું નામ પ્રથમવાર મતદાર તરીકે નોંધવામાં આવ્યું છે. આવા નામોથી વૉટ બેંક ુભી કરવામાં આવી છે, તેનાથી ચૂંટણી દરમિયાન ગોટાળા થઈ શકે છે.
આ પણ વાંચો : ‘ચૂંટણી પંચ, તૈયાર રહેજો, અમે તમને…’ બિહારમાં SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, ECએ પણ આપ્યો જવાબ