વનએક્સબેટની જાહેરાતની આવકમાંથી સંપત્તિ ખરીદવાનો આરોપ
ઇડીએ આ કેસમાં યુવરાજ સિંહ, સુરેશ રૈના, રોબિન ઉથપ્પા, સોનુ સુદ, મિમી ચક્રવર્તી, અંકુશ હાજરાની પૂછપરછ કરી
નવી દિલ્હી: ઓનલાઇન સટ્ટાબાજી અને ગેમિંગ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં અનેક રમતવીરો અને અભિનેતાઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં ઇડી તેમની કરોડો રૂપિયાની સંપત્તિ ટાંચમાં લઇ શકે છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કાયદા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મ વનએક્સબેટથી જોડાયેલ કેસોની તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી કેટલીક વ્યકિતઓએ તેમને મળેલ જાહેરાતની આવકમાંથી અનેક પ્રકારની સંપત્તિ ખરીદી હતી. જે પીએમએલએ કાયદા હેઠળ અપરાધથી અર્જિત આવકની કેટેગરીમાં આવે છે. જેમાંથી અનેક સંપત્તિ યુનાઇટેડ આરબ અમિરાત જેવા દેશોેમાં છે. હાલમાં આ સંપત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે ફેડરલ તપાસ એજન્સી ટૂંક સમયમાં જ આ વ્યકિતઓની સ્થિર અને ચાલુ મિલકતો ટાંચમાં લેવા માટે પીએમએલએ હેઠળ આદેશ જારી કરશે.
ટાંચના આદેશ પછી તેને પીએમએલએ હેઠળ સંબધિત ઓથોરિટીને કન્ફરમેશન માટે મોકલવામાં આવશે. મંજૂરી મળવા પર આ સંપત્તિઓને જપ્ત કરવા માટે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રે તાજેતરમાં એક કાયદો લાવીને દેશમાં રિયલ મની ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઇડીએ પોતાની તપાસ હેઠળ છેલ્લા કેટલાક સપ્તાહમાં યુવરાજ સિંહ, સુરેશ રૈના, રોબિન ઉથપ્પા અને શિખર ધવન જેવા કિક્રેટરો અને સોનુ સુદ, મિમી ચક્રવર્તી (પૂર્વ તૃણમુલ સાંસદ) અને અંકુશ હાજરા (બાંગ્લા સિનેમા)થી પણ પૂછપરછ કરી હતી.
કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફલુએન્ઝર સાથે પણ પૂછપરછ કરવામાં આવી છે. ઇડીએ તેમના નિવેદન પણ રેકોર્ડ કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાંથી અનેક લોકોએ તપાસ અધિકારીને પોતાના બેંક ખાતાઓ અને લેવડદેવડની માહિતી આપી છે અને જણાવ્યું હતું કે કંઇ રીતે તેમણે ઓનલાઇન પ્લેટફોર્મથી પોતાની એન્ડોર્સમેન્ટ ફી પ્રાપ્ત કરી હતી.
આ કેસમાં એજન્સી કેટલાક અન્ય ખેલાડીઓ અને અભિનેતાઓના નિવેદન રેકોર્ડ કરી રહી છે. ઇડીએ વનએક્સબેટના ભારત ખાતેના એમ્બેસેડર ઉર્વશી રોતેલાને પણ સમન્સ પાઠવ્યા છે. જો કે તે વિદેશમાં હોવાના કારણે તેમનું નિવેદન નોંધવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે વનએક્સબેટ પર ૨૨ કરોડ ભારતીય યુઝર્સ હતાં.