Actor and TVK Chief Vijay Thalapathy Receives Bomb Threat: તમિલનાડુના કરૂરમાં તમિલગા વેત્રી કઝગમ (TVK)ની રેલીમાં ભાગદોડ થયાના બીજા જ દિવસે, પાર્ટીના વડા અને અભિનેતામાંથી નેતા બનેલા વિજય થલપતિના ચેન્નઈ સ્થિત નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ ધમકીના પગલે, ચેન્નઈ પોલીસે વિજય અને નીલાંકરઈ સ્થિત તેમના ઘરની સુરક્ષા સઘન બનાવી દીધી છે. હાલમાં, પોલીસ ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે અને તેનો ઇરાદો શું હતો તે જાણવા માટે તપાસ કરી રહી છે.
કરૂરમાં ભાગદોડની ઘટના બાદ વિજય ચેન્નઈ પાછા ફર્યા હતા. ત્યારથી જ પોલીસે તેમના નિવાસસ્થાને સુરક્ષા વધારી દીધી હતી, પરંતુ બોમ્બની ધમકી મળ્યા બાદ ત્યાં ચેન્નઈ પોલીસ અને CRPFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
બોમ્બની ધમકી અને તપાસ
બોમ્બની ધમકી મળતા જ, બોમ્બ નિરોધક દળ (Bomb Disposal Squad) ખોજી શ્વાન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું અને TVK પ્રમુખના ઘરની ચારે બાજુ સઘન સુરક્ષા તપાસ કરવામાં આવી. જોકે, સર્ચ ઓપરેશનમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી. આ દરમિયાન, પોલીસે વિજયના સમર્થકો અને સામાન્ય લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. બીજી બાજુ, ભાગદોડની ઘટનાને કારણે વિવિધ ક્ષેત્રોમાંથી ટીકાઓનો સામનો કરી રહેલા વિજયે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારોને ₹20 લાખનું વળતર આપવાની જાહેરાત પણ કરી છે.
મૃત્યુઆંક વધીને 40 થયો
શનિવારે, તમિલનાડુના કરુરમાં અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમ (TVK)ના પ્રમુખ વિજયની ચૂંટણી રેલી દરમિયાન થયેલી ભાગદોડમાં 40 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ મૃત્યુ પામેલા લોકોમાં 10 બાળકો, 17 મહિલાઓ અને 13 પુરુષોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં 60થી વધુ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી 2 લોકોની હાલત ગંભીર છે.
આ પણ વાંચો: ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે વડાપ્રધાન મોદીએ કરી ‘X’ પોસ્ટ, જુઓ શું કહ્યું
રાજકીય હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન, ઉપમુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન, વિપક્ષના નેતા એડાપ્પાદી કે. પલાનીસ્વામી, ભાજપના નેતાઓ નૈનાર નાગેન્દ્રન અને કે. અન્નામલાઈ, VCKના વડા થોલ થિરુમાવલવન, PMKના ટોચના નેતા અંબુમણિ રામદાસ સહિત ઘણા રાજકીય પક્ષોના નેતાઓએ હોસ્પિટલની મુલાકાત લીધી. રજનીકાંત અને મક્કલ નિધિ મય્યમ (MNM)ના વડા કમલ હાસન સહિત અનેક હસ્તીઓએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું.