– વેળાવદર ભાલ પંથકના સવાઇનગર ગામે
– બચાવવા માટે વચ્ચે પડેલા પિતાને પણ શખ્સે ધારિયાનો ઊંધો ઘા ઝીંક્યો, પિતાએ પુત્ર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
ભાવનગર : ભાલના સવાઈનગર ગામમાં જમીનમાં ભાગ મામલે ઝઘડો કરી ઉશ્કેરાયેલા મોટા ભાઈએ ધારિયાના ઘા ઝીંકી નાના ભાઈની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી.
ઘટનાની મળતી વિગતો અનુસાર વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન તાબેના સવાઈનગર ગામમાં રહેતા મુકેશ બટુકભાઈ પરમારને તેના પિતા બટુકભાઈ તળશીભાઇ પરમારને વરસાઈમાં મળેલી ૪૩ વિઘા ખેતીની જમીનમાં ભાગ જોઈતો હોવાથી તે અવારનવાર તેના પિતા પાસે ખેતીની જમીનમાં ભાગ માંગતો હતો.ગઈ કાલે સાંજના સમયે બટુકભાઈ અને તેનો નાનો પુત્ર ચંદુભાઈ ઘરે હાજર હતા ત્યારે મુકેશે ઘરે આવી ‘મને મારી જમીનનો ભાગ આપી દ્યો,મારે જમીન વેચી નાખવી છે’,તેમ કહી તેના પિતા અને નાનાભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઈ જઈ ચંદુભાઈના માથાના ભાગે અને હાથ ઉપર ધારિયાના ઘા ઝીંકી દઈ ગંભીર ઇજા પહોંચાડી હતી.બટુકભાઈ ચંદુભાઈને બચાવવા માટે જતા તેમને પણ મુકેશે ધારિયાનો ઊંધો ઘા ઝીંકી સામાન્ય ઇજા પહોંચાડી હતી.આ બનાવમાં ગંભીર ઇજાગ્રસ્ત ચંદુભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ ઘટનાની જાણ થતા ડીવાયએસપી સિંઘલ તેમજ વેળાવદર ભાલ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.હત્યાના આ બનાવ અંગે બટુકભાઈ તળશીભાઈ પરમારે તેના પુત્ર મુકેશ પરમાર વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.