– છત્તીસગઢના બસ્તરમાં 10 દિવસમાં 48 નક્સલીનો સફાયો
– માર્યા ગયેલા નક્સલીઓમાં 11 મહિલાઓ પણ સામેલ, ગ્રેનેડ-રોકેટ લોન્ચર, એકે-47 સહિતના હથિયારો જપ્ત
– ચાર જવાન ઘાયલ : બસ્તરમાં આ વર્ષે 150 નક્સલીઓ ઠાર, 10 જવાનો પણ શહીદ થયા
સુકમા : છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષદળોએ વધુ ૧૮ નક્સલીઓને ઠાર માર્યા હતા, માર્યા ગયેલા નક્સલીઓમાં ૧૧ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે એક નક્સલી પર ૨૫ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું જે પણ આ ઓપરેશનમાં ઠાર કરાયો હતો. ૧૦ દિવસમાં નક્સલીઓ સામે આ બીજુ મોટુ ઓપરેશન છે. સાથે જ રોકેટ લોન્ચર્સ સહિતના અનેક હથિયારો પણ જપ્ત કરાયા છે.
છત્તીસગઢમાં નક્સલીઓ સામે ચાલી રહેલા ઓપરેશનમાં આ વર્ષે આશરે ૧૫૦ જેટલા નક્સલીઓ માર્યા ગયા છે. જ્યારે સામેપક્ષે ૧૦ જેટલા જવાનો પણ શહીદ થઇ ચુક્યા છે. માર્યા ગયેલા નક્સલીઓ સામેના આ મોટાભાગના ઓપરેશન બસ્તર વિસ્તારમાં ચલાવવામાં આવ્યા હતા જેને નક્સલીઓનો ગઢ માનવામાં આવે છે. ૧૦ દિવસ પહેલા ૩૦ નક્સલી માર્યા ગયા હતા, જ્યારે તે પહેલા ૯ ફેબુ્રઆરીએ ૨૯ નક્સલીઓ માર્યા ગયા હતા. હાલમાં બિજાપુર અને બસ્તરના અન્ય જિલ્લામાં નક્સલી નેતાઓ સરેન્ડર કરી રહ્યા છે અથવા તો તેમનું એન્કાઉન્ટર થઇ રહ્યું છે.
સુરક્ષાદળોએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઓપરેશન દરમિયાન ચાર જવાનો પણ ઘવાયા છે જેમાંથી ત્રણ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) સાથે સંકળાયેલા છે જ્યારે એક ઘાયલ જવાન સીઆરપીએફમાં સેવા આપી રહ્યો છે. જે પણ નક્સલીઓ માર્યા ગયા છે તેમાં એક નક્સલ અત્યંત ખુંખાર હતો જેના પર પોલીસ પ્રશાસને ૨૫ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. હજુ ૧૦ દિવસ પહેલા જ બસ્તરના બિજાપુર તેમજ કાંકેર જિલ્લામાં સુરક્ષાદળોએ મોટુ ઓપરેશન પાર પાડયું હતું અને ૩૦ નક્સલીઓને ઠાર માર્યા હતા જેઓ સીપીઆઇ(માઓસ્ટ) સંગઠન સાથે સંકળાયેલા છે.
બસ્તર રેન્જના આઇજી સુંદરરાજ પીએ પીટીઆઇને જણાવ્યું હતું કે કેર્લાપાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જંગલ વિસ્તારમાં સવારે આઠ વાગ્યાની આસપાસ આ ઘર્ષણ થયું હતું, શુક્રવારની રાત્રે સુરક્ષાદળોની ટીમ નક્સલવાદ વિરોધી ઓપરેશન માટે જઇ રહી હતી ત્યારે શનિવારે સવારે સામસામે ગોળીબાર થયો હતો.
જેમાં ૧૮ નક્સલીઓ ઠાર મરાયા છે, ૧૧ મહિલાઓ સહિત તમામ માર્યા ગયેલા નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ ઉપરાંત એક એકે-૪૭ રાઇફલ, સેલ્ફ લોડિંગ રાઇફલ, ઇન્સેસ રાઇફલ, .૩૦૩ રાઇફલ, એક રોકેટ લોન્ચર, બેરેડ ગ્રેનેડ લોન્ચર તેમજ અન્ય વિસ્ફોટક સામગ્રીઓ મળી આવી હતી.
જે નક્સલી સામે ૨૫ લાખનું ઇનામ જાહેર કરાયું હતું તેનું નામ જગદીશ છે અને તે અનેક નક્સલી હુમલામાં સામેલ હતો. વર્ષ ૨૦૧૩માં સુકમામાં નક્સલી હુમલામાં કોંગ્રેસના અનેક નેતા માર્યા ગયા હતા જેમાં પણ જગદીશનો હાથ હતો. જ્યારે ચાર એરિયા કમિટી સભ્યો હતા જેને પણ ઠાર મરાયા છે.
છત્તીસગઢના દંતેવાડામાં 15 નકસલીઓએ આત્મસમર્પણ કર્યું
દંતેવાડા : છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં શનિવારે ૧૫ નકસલવાદીઓએ આત્મસમર્પણ કર્યું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ૧૫ પૈકી સીક્કા ઉર્ફે ભીમા મંડાવી પ્રતિબંધીત ભારતીય કોમ્નુનિષ્ટ પાર્ટી (માઓવાદી) ના પોટાલી આરપીસી હેઠળ જનતા સરકારનો પ્રમુખ હતો. અન્ય ૧૪ નીચલા સ્તરના નકસલી હતાં. તેઓએ પોકળ અને અમાનવીય વિચારધારાથી નિરાશ થઇને સશ્ત્રો મુક્યા હતાં.
પોલીસે જણાવ્યું હતું કે જૂન ૨૦૨૦માં ં લોન વરરાતુ (તમારા ઘરે- ગામ પાછા ફરો) અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. તે સમયથી જેમની પર રોકડના ઇનામો હતા તેવા ૨૨૧ સહિત ૯૨૭ નકસલવાદીઓ દંતેવાડા જિલ્લામામુખ્ય પ્રવાહમાં પરત ફર્યા છે.