ટ્રાફિક બ્રાન્ચના જમાદાર પર હુમલામાં ટોળાં સામે ગુનો : ગાંધીગ્રામ પોલીસે બે ડિલિવરી બોય અને વેપારી સહિત 3 આરોપીની ધરપકડ કરી
રાજકોટ, : ઈન્દિરા સર્કલ પાસે ગઈકાલે સવારે સિટી બસના ચાલકે આઠ વાહનોને ઉલાળી બે મહિલા સહિત ચારને કચડી નાખ્યા હતાં. જયારે બાળકી સહિત પાંચને ઘાયલ કર્યા હતાં. આ વખતે ઉશ્કેરાયેલા ટોળાએ ટ્રાફીક બ્રાન્ચના જમાદાર ઉપર હુમલો કરી તેને ભગાડી દીધો હતો. જે અંગે ગાંધીગ્રામ-૨ પોલીસે ૧૫થી ૨૦ અજાણ્યા શખ્સોનાં ટોળા સામે ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
ટ્રાફીક બ્રાન્ચમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અજયભાઈ ભીખાભાઈ ડાભી (ઉ.વ. 40)એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે સવારે ઈન્દિરા સર્કલ પાસે તેની ડયુટી હતી. તે વખતે સિટી બસે અકસ્માત સર્જતા ટોળું એકત્રીત થઈ ગયું હતું. ટોળાએ છુટ્ટા પથ્થરોના ઘા કરી સિટી બસનાં કાચ ફોડી નાખ્યા હતાં. એટલું જ નહીં સિટી બસનો દરવાજો ખોલી બસના ડ્રાઈવરને બહાર ખેંચી રોડ ઉપર મારપીટ શરૂ કરી હતી.
તે વખતે તેણે ટોળાની વચ્ચે જઈ વિખેરાઈ જવાની સુચના આપી હતી. આમ છતાં ટોળું વિખેરાયું ન હતું અને ડ્રાઈવરને મારકુટ કરવાનું ચાલુ રાખ્યું હતું. આખરે તેણે બળ વાપરી ડ્રાઈવરને વધુ મારથી બચાવી 108માં સિવિલ મોકલી દીધો હતો. ત્યાર પછી બીજી ૧૦૮ આવતા ટોળાને દુર જવા કહ્યું હતું. જેને કારણે ટોળું તેની ઉપર ઉશ્કેરાઈ ગયું હતું. ટોળામાં સામેલ કેટલાક શખ્સોએ તેની સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરી કહ્યું કે, તમે ડ્રાઈવરને અમને કેમ ન સોપ્યો, એમ્બ્યુલન્સમાં કેમ મોકલી દીધો.
ત્યાર પછી ટોળાએ હલ્લાબોલ કરી તેણે જ ડ્રાઈવરને બચાવ્યો છે તેમ કહી મારો-મારો તેવી બુમો પાડી તેની સાથે હાથાપાઈ શરૂ કરી હતી. ટોળું બેફામ બની જતા અને સ્થિતિ કાબુ બહાર જતા તે ત્યાંથી બચી બીઆરટીએસ રૂટ ઉપર ભાગ્યા હતાં. તે સાથે ટોળામાં સામેલ અમુક શખ્સો તેની પાછળ દોડયા હતાં. જેનાથી બચવા તે નજીકનાં કે.કે.વી. પોઈન્ટ ઉપર પહોંચી ગયા હતાં અને ત્યાંના સ્ટાફને હકીકતો જણાવતા વધુ પોલીસ ફોર્સ બોલાવી હતી.
આ ફરીયાદનાં આધારે ગાંધીગ્રામ-2 પોલીસે ગુનો નોંધી ટોળામાં સામેલ મનિષ ઉર્ફે માન કાળુભાઈ સભાડ (ઉ.વ. 19, રહે, રૈયાધાર સ્લમ કવાર્ટર), કરણ કીશોરભાઈ વિશ્વકર્મા 24, રહે, ઈન્દિરા સર્કલ, અજન્તા કોમ્પ્લેક્ષની નીચે ઓરડીમાં) અને મહેશભાઈ પ્રાણલાલ શાહ (ઉ.વ.૬૨, રહે, બાલમુકુંદ સોસાયટી શેરી નંબર-૨, નિર્મલા રોડ)ની ધરપકડ કરી હતી. આરોપી મનીષ અને કરણ ડીલીવરી બોય તરીકે કામ કરે છે. જયારે આરોપી મહેશભાઈ વેપારી છે.