– પૈસાના હવાલામાં વચ્ચે પડી આર્થિક નુકશાન કરતા હોવાની દાઝ રાખી
– 15 વર્ષ પૂર્વેની ઘટનામાં કોર્ટે 30 દસ્તાવેજી અને 20 મૌખિક પુરાવા ગ્રાહ્ય રાખી સજા-દંડનો હુકમ કર્યો
ભાવનગર : શહેરના નિર્મળનગર વિસ્તારમાં ૧૫ વર્ષ પૂર્વે હીરા દલાલ ઉપર તલવારથી જીવલેણ હુમલો થયાની ઘટનામાં કોર્ટે આરોપીને પાંચ વર્ષની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.
શહેરના નિર્મળનગર, માધવરત્ન કોમ્પલેક્ષના પાર્કિંગ પાસે ગત તા.૧૯-૦૭-૨૦૧૦ના રોજ સાંજના સમયે કલ્પેશ ઉર્ફે કાળુ ઉર્ફે દાઉદ નાનજીભાઈ જેતાણી (રહે, લાખણિયાળી, તા.બોટાદ) નામના શખ્સે પૈસાના હવાલામાં વચ્ચે પડી સમાધાન કરાવી તેને આર્થિક નુકશાન કરવા બાબતની દાઝ રાખી હરેશભાઈ અમરશીભાઈ જીવાણીને કાળુભાઈ પરવાળા સાથે સમાધાન માટે ફોન કરવાના બહાને માધવરત્નની બાજુના બિલ્ડીંગના ભોંયરામાં લઈ જઈ અચાનક તલવારના ત્રણ ઘા ઝીંકી દઈ જીવલેણ હુમલો કર્યો હતો. જે બનાવ અંગે ઈજાગ્રસ્તના મિત્ર કલ્પેશભાઈ જસમતભાઈ ઘોરી (રહે, મુળ ઘરવાળા ગામ)એ હુમલાખોર શખ્સ કલ્પેશ સામે સ્થાનિક એ ડિવિઝન (નિલમબાગ પોલીસ)માં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૭, ૫૦૪, બી.પી.એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી શખ્સની ધરપકડ કરી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ ભાવનગર જિલ્લાના સત્ર ન્યાયાધીશની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ મનોજભાઈ જોષીની દલીલો, ૨૦ મૌખિક અને ૩૦ દસ્તાવેજી પુરાવાને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એચ.એસ.મુલિયાએ આરોપી કલ્પેશ ઉર્ફે કાળુ ઉર્ફે દાઉદ જેતાણીને તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સજા અને પાંચ હજારનો રોકડ રકમનો દંડ, દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો.