Jamnagar Liquor Crime : જામનગર શહેરમાં પોલીસે દરોડા દરમિયાન કારમાંથી વિદેશી દારૂની 16 બોટલ મળી આવતા બે શખ્સની તથા અન્ય એક જગ્યાએ દરોડો પાડી 216 ચપલા સાથે એક શખ્સની ધરપકડ કરી કુલ મળી રૂપિયા 5.31 લાખની મતા કબ્જે કરી હતી. જ્યારે ત્રણ શખ્સની સંડોવણી ખુલતા ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર શહેરમાં લીમડા લાઈન વિસ્તારમાંથી જી.જે.37 એ. બી.1211 નંબરની કાર પસાર થતી હોય આ વેળાએ સીટીબી ડિવિઝન પોલીસે અટકાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની રૂપિયા 8 હજારની કિંમતની 16 બોટલ મળી આવતા કાર સહિત કુલ રૂપિયા 5.10 લાખની મતા કબ્જે કરી કિશન રમેશભાઈ ભારડીયા અને મોહિત કાનજીભાઈ ચાવડા વિગેરે બે શખ્સની ધરપકડ કરી હતી.
જ્યારે જામનગરમાં પટેલ ટ્રાવેલ્સની ઓફિસની સામેથી પસાર થતા જયદીપભાઇ રમેશભાઈ કોળી ગામના શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે અટકાવી તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂના રૂપિયા 21600 ની કિંમતના 216 ચપટા મળી આવતા તેની ધરપકડ કરી હતી. જ્યારે અજય ઉર્ફે અજલો રાજેન્દ્રભાઈ બરછા અને નિકુંજસિંહ ગંભીરસિંહ જાડેજા તથા દીપક ગોહિલ નામના ત્રણ શખ્સની સંડોવણી ખુલતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.