Vadodara Traffic Police : વડોદરા શહેરમાં આવેલા વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનો વાહનચાલકો દ્વારા ભંગ કરાય છે. જેને લઈને પોલીસ દ્વારા આવા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવાઇ રહી છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 46 તથા ગેરકાયદે પેસેન્જર ભરનાર 31 વાહનો ડીટેઇન કરાયા છે. ટ્રાફિક પોલીસ દ્વારા આ વાહન ચાલકો પાસેથી રૂ.1.81 લાખનો દંડ પણ ઉઘરાવવામાં આવ્યો છે.
વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમિશ્નર ડૉ.લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફિક શાખા) પટેલ જ્યોતિ પંકજએ ગેરકાયદેસર પેસેન્જર ભરતા વાહન ચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવી હતી. જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર ડી.એમ.વ્યાસ ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા દ્વારા વડોદરા શહેરમાં આવેલા વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા એમ.વી. એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોના વાહનોને 207 મુજબ 46 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. ગેરકાયદેસર પેસેન્જર ભરતા 31 વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા. ઉપરાંત ટ્રાફિકના નિયમોનો સરેઆમ ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને દંડનીય કાર્યવાહી કરાઈ હતી અને આવા વાહન ચાલકો પાસેથી રૂ.1.81 લાખનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવતી કડક કાર્યવાહીના પગલે હવે ટ્રાફિકના નિયમનો ભંક કરનાર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.