– એમજીવીસીએલે કપડવંજની કનુભાઈ જે. પટેલ એજન્સી વિરૂદ્ધ વીજ ચોરીનો ગુનો નોંધાવ્યો
ડાકોર : ડાકોર પાલિકાના મોખા તળાવના બ્યૂટિફિકેશનના કામમાં કપડવંજની કનુભાઈ જે. પટેલ એજન્સીએ રૂા. ૪.૫૦ લાખની વીજ ચોરી કરી હોવાની ફરિયાદ વીજ કંપનીએ ડાકોર પોલીસ મથકે નોંધાવી છે. ડાકોર પાલિકાના મોખા તલાવડી પર તળાવ બ્યૂટિફિકેશનનું કામ ચાલુ હતું. ત્યારે કપડવંજની કનુભાઈ જે. પટેલ નામની એજન્સી દ્વારા છેલ્લા દોઢ વર્ષથી વીજચોરી કરીને એમજીવીસીએલની ચાલુ લાઈન પર લટકણિયું લટકાવીને ડાયરેકટ વીજ વપરાશ કરાતો હતો. જે બાબતની આસપાસના ખેડૂતો દ્વારા રજૂઆત કરાતા એમજીવીસીએલની ટીમે મંગળવારે સ્થળે પહોંચી તપાસ કરતા વીજ ચોરી થતી હોવાનું જણાઈ આવ્યું હતું. વીજ ચોરી માટેના કેબલના લટકણિયા ઉતારી લેવાયા હતા. સ્થળ પર પંચકયાસ કરીને ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલા કેબલ સાથે બોર્ડ જપ્ત કરાયું હતું. એમજીવીસીએલે કપડવંજની કનુભાઈ જે. પટેલ એજન્સી રૂા. ૪.૫૦ લાખની વીજ ચોરી કરી હોવાની ફરિયાદ ડાકોર પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.