વડોદરાઃ વડોદરા નજીક કુંઢેલા ખાતે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ભોજનની ગુણવત્તાને લઈને આજે વિદ્યાર્થીઓએ હોસ્ટેલ મેસના રસોડામાં ઘૂસી જઈને હોબાળો મચાવ્યો હતો.વિદ્યાર્થીઓએ મેસમાં રોટલી બનાવવા માટેના લોટમાં, અનાજમાં પડેલા જીવડાના અને ફૂગ વાળી બ્રેડના વિડિયો પણ વાયરલ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન શૈક્ષણિક વર્ષથી ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટી કુંઢેલા ખાતેના નવા કેમ્પસમાં કાર્યરત થઈ છે.જ્યાં વિદ્યાર્થીઓને જમવા માટે મેસ પણ બનાવવામાં આવી છે.તાજેતરમાં એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની મેસમાં વિદ્યાર્થિનીઓને સામૂહિક ફૂડ પોઈઝનિંગ થયું હતું અને હવે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પણ મેસની આ જ હાલત છે.
સૂત્રોનું કહેવું છે કે, છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ આ મુદ્દે ફરિયાદ કરી રહ્યા હતા અને આજે સવારે અપાયેલો નાસ્તો પણ હલકી ગુણવત્તાવાળો હોવાનો આક્ષેપ કરીને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવીને સૂત્રોચ્ચાર કર્યો હતો.વિદ્યાર્થીઓએ મેસના રસોડામાં જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.વિદ્યાર્થીઓએ વાયરલ કરેલા વિડિયોમાં મેસના રસોડામાં મૂકાયેલા બગડેલા શાકભાજી તેમજ ગંદકી વચ્ચે શાક સમારવામાં આવતું હોવાનો દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.વિદ્યાર્થીઓએ મેસ કોન્ટ્રાક્ટરને હટાવવા માટે કલાકો સુધી હોબાળો કર્યો હતો અને તેમાં એબીવીપીના કેટલાક કાર્યકરો પણ જોડાયા હતા.વિદ્યાર્થીઓના વિરોધના પગલે યુનિવર્સિટીના સત્તાધીશો ડેમેજ કંટ્રોલ કરવા માટે દોડતા થઈ ગયા હતા.
મેસ કોન્ટ્રાક્ટરની હકાલપટ્ટી, વચગાળાની વ્યવસ્થા કરાઈ
યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ અગાઉ પણ કરેલી ફરિયાદોને ધ્યાનમાં લઈને મેસ કોન્ટ્રાક્ટર બદલવા માટેની કાર્યવાહી હાથ ધરીને નવેસરથી ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા.આ પ્રક્રિયા પૂરી થવાની રાહ જોવાઈ રહી હતી.જોકે આજે થયેલા હોબાળા બાદ તાત્કાલિક અસરથી મેસ કોન્ટ્રાકટરની હકાલપટ્ટી કરવામાં આવી છે અને નવો કોન્ટ્રાક્ટર ના આવે ત્યાં સુધી મેસ ચલાવવા માટે વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓએ મેસને તાળું મારી દીધું વીસીની ઓફિસની બહાર ધરણા
સેન્ટ્રલ યુનિવર્સિટીની મેસમાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જમે છે.આજે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ એક તબક્કે મેસને દાળા મારી દીધા હતા અને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની ઓફિસની બહાર બેસીને ધરણા તેમજ સૂત્રોચ્ચારો કર્યા હતા.વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, વારંવાર રજૂઆતો પછી પણ મેનેજમેન્ટ દ્વારા કાર્યવાહી કરાતી નથી અને મેસ સંચાલકોને છાવરવામાં આવી રહ્યા છે.મેસમાં મેનુ પ્રમાણે જમવાનું પણ આપવામાં આવતું નથી.આજે નાસ્તામાં ફૂગવાળી બ્રેડ અપાઈ હોવાથી અમે નાસ્તો કર્યા વગર ઉભા થઈ ગયા હતા.મેસમાં સ્વચ્છતાનો પણ અભાવ છે.