ભારતના રાષ્ટ્રીય પર્વ 79માં સ્વાતંત્ર્ય દિનની સુરત પાલિકા દ્વારા દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજ વંદન પહેલા શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા સાથે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં પાલિકાના ધ્વજ વંદનનો કાર્યક્રમ કરાયો હતો જેમાં પાલિકામાં વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર ખાતા/ઝોનની 24 ટીમ, 23 અધિકારી અને કર્મચારીઓને ઇનામ અને પ્રશંસા પત્ર આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. ઉપરાંત હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેડર નો ઉપયોગ કરી ધ્વજ ફરકાવવાનો તથા કલર ફાયર એક્સ્ટીગ્યુસરનો ઉપયોગ કરી ત્રિરંગો બનાવવામાં આવ્યો હતો.
સુરત પાલિકા દ્વારા રાષ્ટ્રીય પર્વ 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કતારગામ કાસાનગર સ્પોર્ટ કોમપ્લેક્ષ ખાતે રખાયું હતું. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર દક્ષેશ માવાણી દ્વારા રાષ્ટ્રધ્વજ ના રંગ ના બલુન ગગનમાં વિહરતા કરવામા આવ્યા હતા. આ દિવસે આયોજિત વિવિધ સ્પર્ધાના વિજેતા નું સન્માન,વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનારા વિવિધ ઝોન અને વિભાગની 24 ટીમ અને 23 અધિકારી- કર્મચારીઓને ઈનામ, પ્રશંસા પત્ર આપવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકોને પણ ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરતના મેયર દક્ષેશ માવાણીએ ધ્વજવંદન બાદ કહ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહનો માટે દેશમાં પ્રથમ અને અલાયદી પોલીસી બનાવનાર દેશની પ્રથમ મહાનગરપાલિકા છે. ઇલેક્ટ્રિક વાહનો માટે દેશમાં પ્રથમ અને અલાયદી પોલીસી બનાવનાર દેશની પ્રથમ મહાનગરપાલિકા છે. ઇલેકટ્રીકની સાથે હાઇડ્રોજન,બાયોકયુઅલ જેવી વૈકલ્પિક ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા સુરત ગ્રીન વ્હીકલ 2025 રજુ કરનાર દેશની પ્રથમ મહાનગરપાલિકા બનવા જઇ રહી છે. સુરત મહાનગરપાલિકાની આઇકોનિક બિલ્ડીંગ,કતારગામ વિસ્તારમાં ફલાય ઓવરબ્રિજ અને ઓડિટોરિયમ સહિતના મહત્વકાંક્ષી પ્રકલ્પો હાલમાં કાર્યરત છે. તેઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને વેગવંતુ બનાવી સ્વદેશી વસ્તુ ખરીદવા આગ્રહ રાખી દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપવા અપીલ કરવા સાથે પાલિકાની વિવિધ સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા જાહેર જનતાને ફાયર વિભાગના અતિ મહત્વપૂર્ણ અને ઉપયોગી સાધનોનું પ્રદર્શન અને ડેમોસ્ટ્રેશન રાખવામા આવેલ ફાયરની વિવિધ ઇક્વિપમેન્ટ પ્રદર્શન સ્ટોલ, પ્રોક્ષી મેટ્રીક શુટ (એલ્યુમિનિયમ શુટ), એલ.પી.જી.ગેસ સિલિન્ડર આગ બુઝાવવાની રીતનું ડેમો, હાઇડ્રોલીક પ્લેટફોર્મ , એસ્કેપ શુટ, જમ્પિંગ કુશન, વિવિધ બ્રાંચવોલ્વીંગ બ્રાંચ, મયુર પેટર્ન બ્રાંચ,કોલ સ્ટેક બ્રાંચ , વિગેરે પ્રદર્શિત કરવામાં આવેલ. હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેડર નો ઉપયોગ કરી ધ્વજ ફરકાવવાનો તથા કલર ફાયર એક્સ્ટીગ્યુસરનો ઉપયોગ કરી ત્રિરંગો બનાવવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ફાયરવિભાગના 60 જેટલા અધિકારી કર્મચારીઓ પ્રદર્શન અને ડેમોસ્ટ્રેશનમાં જોડાયા હતા.