– ઝમર અને દેદાદરા વચ્ચે બે કાર વચ્ચે ટક્કર
– રોડ સાઈડમાં ખાબક્યા બાદ કાર સળગી ઉઠી : ધંધુકાના ઝીંઝર અને લખતરના કડુના પરિવારો જીવતા ભૂંજાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નાના બાળકો અને મહિલાઓ સહિત કુલ આઠ વ્યક્તિના જીવતાં ભૂંજાઈ જતા મોત નીપજ્યા હતા. બનાવને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.
સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર આવેલા ઝમર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ અચાનક સળગી ઉઠી હતી. કારમાં સવાર મુળ ધંધુકા તાલુકાના ઝીંઝર ગામના અને હાલ ભાવનગર રહેતા તેમજ લખતર તાલુકાના કડુ ગામના મહિલાઓ સહિત કુલ ૮ વ્યક્તિઓ કારમાં જ જીવતા ભુંજાઈ જતા તમામના મોત નીપજ્યા હતા.
પ્રાથમિક તપાસમાં ઝીંઝર ગામનો પરિવાર પોતાના સગા-સબંધીઓને ત્યાં કડુ ગામે આવ્યો હતો. ત્યાંથી સુરેન્દ્રનગર ખાતે ખરીદી માટે જઈ રહ્યા હતા. દરમ્યાન અન્ય કાર સાથે ધડાકા ભેર અથડાતા કરૂણાંતિકા સર્જાઈ હતી. બનાવની જાણ થતાં પાલિકાની ફાયર ફાયટર ટીમ તેમજ સ્થાનીક પોલીસ અને ત્રણથી ચાર ૧૦૮ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વરસતા વરસાદમાં કારમાંથી મૃતદેહને બહાર કાઢી સુરેન્દ્રનગર સરકારી હોસ્પીટલ ખાતે પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથધરી હતી. કરૂણાંતિકાની જાણ થતા પરિવારોના નજીકના સ્વજનો પર આભ તુટી પડયું હતું. અકસ્માતમાં અન્ય કારચાલકની હાલત પણ ગંભીર હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતને પગલે ડેપ્યુટી આઈજી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
અકસ્માતના મૃતકો
(૧) મીનાબા વિરેન્દ્રસિંહ રાણા ઉ.વ.૪૯, રહે.કડુ, (૨) કૈલાસબા જગદીશસિંહ ચુડાસમા ઉ.વ.૬૦, રહે.ભાવનગર, (૩) રાજેશ્રીબા નરેન્દ્રસિંહ રાણા ઉ.વ.૫૨, રહે.કડુ, (૪) દિવ્યાબા હરદેવસિંહ જાડેજા ઉ.વ.૩૫, રહે.કચ્છ, (૫) નીતાબા ભગીરથસિંહ જાડેજા ઉ.વ.૫૮, રહે.જામનગર, (૬) પ્રતિપાલસિંહ જગદિશસિંહ ચુડાસમા ઉ.વ.૩૫, રહે.ભાવનગર, (૭) રીધ્ધીબા પ્રતિપાલસિંહ ચુડાસમા ઉ.વ.૩૨, રહે.ભાવનગર, (૮) દિવ્યેશ્રીબા પ્રતિપાલસિંહ ચુડાસમા ઉ.વ.૧૦ મહિના, રહે.ભાવનગર