મારી પાસે સોગંદનામુ માગતું ચૂંટણી પંચ ભાજપ નેતાઓ અંગે મૌન : રાહુલનો જવાબ
ચૂંટણી પંચ કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે કામ કરે છે, ઇરાદાપૂર્વક દલીતો, લઘુમતીઓના મતો કાપ્યા ઃ ખડગે
બિહારના સાસારામથી યાત્રાનો આરંભ, રાહુલે મંચ પર લાલુ-ખડગેને પાણી પિવડાવ્યું, વીડિયો વાયરલ
સાસારામ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહારમાં અધિકાર યાત્રા શરૂ કરી છે. જે રાજ્યના ૨૦ જિલ્લામાંથી પસાર થશે. સાસારામમાં મોટી રેલી યોજીને રાહુલ ગાંધીએ યાત્રાની શરૂઆત કરી હતી જે દરમિયાન તેમણે ભાજપ અને ચૂંટણી પંચ પર વોટચોરીના આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પર કબજો જમાવવામાં આવી રહ્યો છે, બિહારમાં પણ આ લોકો વોટચોરી કરવા જઇ રહ્યા છે. આ દરમિયાન રાહુલે મંચ પરથી ‘વોટ ચોરો ગદ્દી છોડો’ના સત્રોચ્ચાર કર્યા હતા.
વોટચોરીના આરોપોને સાબિત કરવા માટે રાહુલ ગાંધી પાસેથી મુખ્ય ચૂંટણી કમિશનરે સોગંદનામુ માગ્યું છે. જેનો જવાબ આપતા રાહુલે કહ્યું હતું કે મે પ્રેસ કોન્ફરંસ કરીને વોટચોરીને ખુલ્લી પાડી હતી જેને કારણે મારી પાસે સોગંદનામુ માગવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ ભાજપના નેતાઓ પ્રેસ કોન્ફરંસ કરીને આરોપો લગાવે છે ત્યારે ચૂંટણી પંચ તેમની પાસેથી કઇ જ નથી માગતું. રાહુલે કહ્યું હતું કે લોકોના મતોની ચોરી કરાઇ રહી છે, બાદમાં તમારા રૂપિયા પાંચથી છ અબજોપતિઓને આપવામાં આવશે. અમારી લડાઇ બંધારણને બચાવવા માટેની છે.
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ચૂંટણી પંચ કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે કામ કરે છે, ખડગેએ પણ બિહારના સાસારામમાં રેલીને સંબોધી હતી, તેમણે વધુમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ હંમેશા લોકશાહીનો વિરોધ કરતું આવ્યું છે અને પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુની ટિકા કરતુ આવ્યું છે કેમ કે નેહરુએ તમામ મતભેદ વગર મતદાન અધિકારો લોકોને આપ્યા છે. ખડગેએ બિહારની નિતિશ સરકાર પર પણ પ્રહાર કર્યા હતા અને દાવો કર્યો હતો કે અમને સાસારામ હેલિપેડ પર લેવા આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓને વચ્ચે અટકાવવામાં આવ્યા, અંધ અને બહેરા લોકો દ્વારા બિહારની સરકાર ચલાવવામાં આવી રહી છે. ઇરાદાપૂર્વક દલીતો, લઘુમતીઓના મતો કાપવામાં આવ્યા છે.
સાસારામમાં રાહુલ ગાંધીની આ યાત્રામાં મલ્લિકાર્જુન ખડગે અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ પણ હાજર રહ્યા હતા, રાહુલ ગાંધીએ આ બન્ને વરીષ્ઠ નેતાઓને પાણી પીવડાવ્યું હતું. જેનો વીડિયો વાયરલ થયો હતો અને રાહુલ ગાંધીના વખાણ પણ થયા હતા. રાહુલ ગાંધીની આ યાત્રામાં તેમની સાથે જોડાયેલા આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે મતોની માત્ર ચોરી નથી થઇ રહી પરંતુ ખરેખર તો લૂંટ થઇ રહી છે. ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરે છે. જે પણ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા તેમને રાહુલ ગાંધીએ આ સભામાં મંચ પર બોલાવ્યા હતા અને બાદમાં એક નારો લગાવ્યો હતો કે વોટ-ચોર ગાદી છોડ.