રાયકા દોડકા ફીડર લાઈનના જોડાણથી વડોદરાને વધારાનું પાણી મળવાનું શરૂ થયું છે. મહી નદી ખાતે દોડકાથી રાયકા ગામ સુધી ફીડરલાઇનનું જોડાણ કરવામાં આવતા શહેરના ઉત્તર અને પૂર્વ ઝોનમાં પાણીનું વિતરણ નેટવર્ક સુદ્રઢ બન્યું છે. દોડકા ફ્રેંચ કુવા ખાતે વધારાનો એક પંપ ચાલુ કરતાં પાણી પુરવઠો 12 એમએલડી વધ્યો છે. આ પાણીનો જથ્થો કારેલીબાગ ટાંકી,લાલબાગ ટાંકી, એરપોર્ટ બુસ્ટર, ખોડીયાર નગર બુસ્ટર ,વારસિયા બુસ્ટર અને આજવા રોડ પાણી ટાંકીને અપાઈ રહ્યો છે. ઘણા સ્થળે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીના પ્રેશર અંગે ચકાસણી કરતા સુધારો જોવા મળ્યો હતો. તાજેતરમાં ફીડરલાઇનની જોડાણની કામગીરી માટે શટ ડાઉન લેવાયું હતું, ત્યારે જીએસએફસી બ્રિજ નીચે ફીડરલાઈનનું જે લીકેજ હતું તે બંધ કરવા માટે નવી લાઈન નાખીને જૂની લીકેજ ફીડર લઈને બંધ કરતા આ કામગીરી કરવાથી બ્રિજને થતું નુકસાન અટકાવ્યું છે. રાયકામાં પણ જૂની લીકેજ ફીડર લાઈન બદલીને નવી નાખી છે.