– રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને પાણીના ભાવે જમીન આપવું ભાજપને ભારે પડયું
– 10 બેઠકો માટેની ચૂંટણીમાં હારના ડરથી ભાજપમાંથી એક પણ ફોર્મ ન ભરાયા કોંગ્રેસમાંથી 12 સભ્યોએ ફોર્મ ભર્યા : બે ફોર્મ પાછા ખેંચાવાની સંભાવના
આણંદ : આંકલાવના કહાનવાડીની વિવાદિત જમીનના વિવાદના કારણે ભાજપને ડેમેજ થયું હોય તેવું લાગી રહ્યું છે. આંકલાવ એપીએમસીની ૧૦ બેઠકોની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર ચૂંટણી લડવા મળ્યો નહીં હોવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આંકલાવ એપીએમસીમાં ૧લી એપ્રિલે ૧૦ સભ્યોની પેનલને ચૂંટણી અધિકારી બિનહરિફ જાહેર કરે તેવી સંભાવનાઓ છે.
આંકલાવ એપીએમસીમાં ૧૦ બેઠકો માટેની ચૂંટણીના જાહેરનામામાં તા. ૨૭મી માર્ચે ફોર્મ ભરવાની અને તા. ૨૮મી માર્ચ ફોર્મ ચકાસણીની છેલ્લી તારીખ હતી. જેમાં કોંગ્રેસ દ્વારા ૧૨ સભ્યોના ફોર્મ એપીએમસીમાં ભરાયા હતા. જેમાં આંકલાવના ધારાસભ્ય અમિત આવડાએ પણ ફોર્મ ભર્યું હતું. એપીએમસીમાં કુલ ૨૦૩ મતદારો છે. ત્યારે ભાજપમાંથી એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું. ત્યારે ૧લી એપ્રિલે સવારે ૧૦ કલાકે ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી કોંગ્રેસ તરફથી બે ઉમેદવારીપત્રો પરત ખેંચાવાની સંભાવના છે. ત્યારે ૧લી એપ્રિલે ૧૧ વાગ્યા પહેલા આંકલાવ એપીએમસીના ૧૦ સભ્યો બિનહરીફ વિજેતા ચૂંટણી અધિકારી જાહેર કરે તેવો ઘાટ સર્જાયો છે.
આંકલાવ વિધાનસભા વિસ્તારમાં ભાજપના વળતા પાણી થયા હોય તેમ આંકલાવ એપીએમસી પર કોંગ્રેસ કબજો કરી લેશે. કહાનવાડીની ૨૩૭ વીઘા જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને પાણીના ભાવે આપી દેવાના વિવાદના કારણે ભાજપને મોટું નુકસાન થયું હોય તેમ લાગી રહ્યું છે. ભાજપના જ કાર્યકરો હારવાના ડરના કારણે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાથી દૂર રહ્યા હતા. આંકલાવ વિધાનસભામાં ભાજપના મોટા નેતા ગણાવતા અગ્રણીઓ પણ ૧૦ ઉમેદવારો ઉભા કરી શખ્યા ન હોવાથી કોંગ્રેસને આંકલાવ એપીએમસી બિનહરીફ મળી જશે.