Operation Sindoor : ભારતના ઓપરેશન સિંદૂર મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. આ ઓપરેશન મામલે નવી સેટેલાઈટ તસવીરો સામે આવી છે, જેમાં પાકિસ્તાની નૌકાદળની ડરપોક હરકતો જોવા મળી છે. તસવીરોથી સામે આવ્યું છે કે, મે મહિનામાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, ત્યારે કરાચીમાં જંગી જહાજો સાથે તહેનાત પાકિસ્તાની નૌકાદળ ત્યાંથી ભાગી જઈને કોમર્શિયલ ટર્મિનલમાં છુપાઈ ગઈ હતી. ત્યારબાદ જહાજ ઈરાન બોર્ડર અને ગ્વાદર તરફ મોકલી દેવાયું હતું.
પાકિસ્તાની સેનાને 1971નો હુમલો યાદ આવી ગયો?
તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાન પોતાનું જંગી જહાજ કરાચીથી લગભગ 100 કિલોમીટર દૂર ગ્વાદર તરફ લઈ ગયું હતું. પાકિસ્તાની સેનાને ડર હતો કે, ભારત કરાચી પોર્ટ પર હુમલો કરી શકે છે, જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. ભારતે 1971ના યુદ્ધમાં કરાચી પોર્ટ પર ભયાનક હુમલો કરતાં ત્યાં અનેક દિવસો સુધી આગ લાગી ગઈ હતી. કદાચ આ વખતે પાકિસ્તાની સેનાને 1971ની યાદ આવી ગઈ હશે અને તેણે તાત્કાલીક પોતાના જહાજને સુરક્ષિત સ્થળે ખસેડી દીધું હતું.
સેટેલાઈટ તસવીરોએ પાકિસ્તાનની પોલ ખોલી
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ હુમલો કરી 22 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કરી પાકિસ્તાનમાં આતંકવાદીઓ સહિત અનેક ઠેકાણોનો નાશ કર્યો હતો. ત્યારે આ સેટેલાઈટ તસવીરોએ પાકિસ્તાનની પીછેહઠની પુષ્ટિ કરનારા પુરાવા જાહેર કર્યા છે. મીડિયામાં સેટેલાઈટ તસવીરો સામે આવી છે, જેમાં પાકિસ્તાની યુદ્ધ જહાજો કરાચીથી કોમર્શિયલ ટર્મિનલો તરફ, જ્યારે કેટલાક જહાજો ઈરાન સરહદ પાસે છુપાયેલા જોવા મળી રહ્યા છે.
સેટેલાઈટ તસવીરો 8 મેની હોવાનો દાવો
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને પોતે વળતો જવાબ આપ્યો હોવાનું જોરશોરથી બોલી રહ્યું હતું, જોકે હવે આ તસવીરોએ પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. રિપોર્ટ મુજબ, કરાચી નેવલ બેઝ પરથી પાકિસ્તાનના તમામ જહાજો ગાયબ હતા, જ્યારે તેના ત્રણ જંગી જહાજો એક સાથે કરાચી કોમર્શિયલ કાર્ગો પોર્ટ પર જોવા મળી રહ્યા હતા. જ્યારે તેનું અન્ય એક હજાર શહેરના બીજા કાર્ગો ટર્મિનલ પર જોવા મળ્યું હતું. વાસ્તવમાં ભારતીય સેનાએ પહલગામ હુમલાના જવાબમાં 6-7 મેની રાત્રે પાકિસ્તાન અને તેના કબજાવાળા કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કરી નષ્ટ કરી દીધા હતા. ત્યારે આ સેટેલાઈટ તસવીરો 8 મેની છે. આ તસવીરોથી સાબિત થઈ રહ્યું છે કે, ભારતીય હુમલાના કારણે પાકિસ્તાન કેટલું ભયભીત થયેલું હતું.