– 5 બેગથી વધારે ખાતર ન આપવું સહિતના
– સિદસર જૂથ કૃષિ સેવા સહકારી મંડળી દ્વારા ખેતી નિયામકને રજૂઆત
ભાવનગર : ખેડૂતોને યુરિયા ખાતર આપવાની બાબતમાં ગઈ તા. ૧૨ ઓગસ્ટના રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેનાથી ખેડૂતોને મુશ્કેલી પડશે. આથી યોગ્ય કરવા ગાંધીનગર સ્થિત ખેતી નિયામકને રજૂઆત કરવામાં આવી છે.
સિદસર જૂથ કૃષિ સેવા સહકારી મંડળીના પ્રમુખ ભીખાભાઈ જાજડિયાએ આ રજૂઆતમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને પાંચ બેગથી વધારે ખાતર આપવું નહીં, વધુમાં વધુ પીઓએસ મારફત નામ, સરનામા સાથે દરેક ખેડૂતને પ્રતિ માસ એક ટનથી વધારે આપવું નહીં તેવા બનાવેલા નિયમો યોગ્ય નથી. કોઈ ખેડૂતને ૬ થેલી જોઈતું હોય તો આપવું જોઈએ. કારણ કે, તેના પાડોશી ખેડૂત બે થેલી મંગાવે તો આપવું જોઈએ. વળી, મંડળીને ખ્યાલ જ હોય છે કે, ક્યાં ખેડૂત પાસે કેટલી જમીન છે અને કેટલા ખાતરની જરૂરિયાત છે. આમ છતાં, તાજેતરમાં ખેતી અધિકારી મંડળીના પ્રમુખ અને મંત્રીઓને હેરાન કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. આથી ખેડૂતને પાંચ થેલીના બદલે આઠ થેલીની જરૂરિયાત હોય તો આપવી જોઈએ. આ અંગે તાકીદે ખેતીવાડી અધિકારીને સૂચના આપવા રજૂઆતમાં માંગ કરી છે.