Jamnagar : જામનગર નજીક સિક્કા ગામથી જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે આવેલા માતા પુત્રી એકાએક લાપતા બની જતાં પરિવાર ચિંતામાં મુકાયો છે. અને સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે. જે બંનેને પોલીસ શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા જયેશભાઈ લખુભાઈ પરમાર જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આવીને જાહેર કર્યું હતું, કે પોતાની પત્ની હર્ષિતાબેન જયેશભાઈ પરમાર (ઉ.વ.33) તથા તેની ત્રણ વર્ષની પુત્રી હિમાંશી જયેશભાઈ પરમાર કે જે બંને પુત્રીની સારવારના કામ માટે સિક્કાથી 12મી તારીખે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આવ્યા હતા.
હિમાંશી, કે જેને જન્મજાતથી અસ્થમાની બીમારી હોવાના કારણે તેની સારવાર કરાવવા માટે માતા-પૂત્રી જામનગર આવ્યા હતા, પરંતુ હર્ષિતાબેનનો મોબાઇલ ફોન એકાએક સ્વીચ ઓફ થઈ ગયો હતો, અને ત્યારબાદ માતા પુત્રી બંને લાપતા બની ગયા હતા.
આ બનાવ પછી પતિ જયેશભાઈ પરમાર જામનગર દોડી આવ્યા હતા, અને પોતાની પત્ની અને પુત્રીની અનેક સ્થળે શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે સિટી બી. ડીવીઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવી હતી.
ઉપરોક્ત ગુમ થયેલ માતા પુત્રીને જામનગર પોલીસ શોધી રહી છે જે કોઈને આ અંગેની જાણકારી મળે તો જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અથવા હનુમાન ગેઇટ પોલીસ ચોકીના એ.એસ.આઈ. નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.